હડમતીયા : હાલમાં દેશમાં લોકડાઉનની પરિસ્થિતી ઉભી થઈ છે ત્યારે બજારોમા અમુક વર્ગ કાળાબજારી કરી દેશમાં ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. તો બીજી તરફ લોકડાઉન જેવી પરિસ્થિતીમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી જગતના તાતને મગફળીના બિયારણ માટે જયાં ત્યાં ભટકવું ન પડે તેમ સમજી નશીતપર ગામની નશીતપર જુથ સેવા સહકારી મંડળી લી. ખેડુતોની વ્હારે આવી 'નહી નફો નહી નુકશાની' ભાવે મગફળીના બિયારણની જાત જેવી કે 20, 22, 66 નંબર જેવા મગફળીના દાણાનું વ્યાજબી ભાવથી વેચાણ કરી ખેડુતોને મદદ કરી રહી છે. વિશ્વમાં જયારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ખેડૂતોને આગામી ચોમાસામાં મગફળીના વાવેતર માટે બિયારણની જરૂર હોય છે. પરંતુ લોકડાઉનના હિસાબે ખેડૂતોને મગફળીના બિયારણ ખરીદવામાં વ્યાપક મુશ્કેલી પડી રહી છે ત્યારે ટંકારા તાલુકાના નસિતપર ગામની નસિતપર જુથ સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ રમેશભાઈ ધરમશીભાઈ કુંડારિયાના ઉમદા વિચાર અને સેવાની ભાવના થકી તેઓએ ખેડૂતોને ઘર આંગણે જરા પણ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરી છે. નસિતપર જુથ સેવા સહકારી મંડળી લી. દ્વારા મોરબી જિલ્લાના ૪ તાલુકાના આશરે ૧૫૦ ગામના છેવાડાના ગામ સુધીના ખેડૂતોને મગફળીના બિયારણ માટેના દાણાનું વેચાણ પાકા બિલ સાથે કરીને આશરે 20,000 મણ દાણાથી પણ વધું વેચાણ કરી ચુક્યા છે અને હજી પણ વેચાણ ચાલું જ છે. આમ નસિતપર જૂથ સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ રમેશભાઈ ડી. કુંડારીયા તેમજ મંત્રી હરીલાલ એમ. ઢેઢી, મંત્રી વિવેકભાઈ એમ. સંઘાણી, સહમંત્રી મિલનભાઈ એચ. બરાસરા, પિયુન નરભેરામભાઈ એન. આદ્રોજાની અથાગ મહેનત અને સેવાની ભાવનાથી ખેડૂતોને વ્યાજબી ભાવ અને બજાર કરતા 200 થી 250 જેટલા નીચા ભાવે અને સારી ક્વોલિટીનું જે જોઈએ, તે મગફળીનું બિયારણ ઉપલબ્ધ કરી ખેડુતોને પડતી મુશ્કેલીને દુર કરતા ચારો તરફ નસિતપર સેવા સ.મં.લી.ની કામગીરીથી ખેડુતવર્ગમાં ચોમેર ખુશી જોવા મળી રહી છે ત્યારે મોરબી જીલ્લાની અન્ય બીજ નિગમ ધારાનું લાયસન્શ ધરાવતી તમામ સહકારી મંડળીઅોને જ નહી પરંતુ ખેડુતોની સાથે સંકળાયેલ માર્કેટીંગ યાર્ડો તેમજ ખરીદ વેચાણ સંઘો સાથે સંકળાયેલ ખેડુત સંસ્થાઓને આવી પ્રેરણાત્મક કામગીરી કરવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે.