મહાપાલિકાના ગાર્ડન વિભાગની બાજુના મેદાનમાં 400 થેલી સિમેન્ટ પથ્થર બની ગયા બાદ હવે લીલાપરની આવાસ યોજનામાં પણ સિમેન્ટ જામી ગયાનો પર્દાફાશ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખમોરબી : મોરબીમાં વધુ એક જગ્યાએ 300થી વધુ સિમેન્ટ વણવપરાયેલી પડી રહેતા જાળવણીના અભાવે જામી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આમ પ્રજાના પૈસાનું પાણી નહિ પણ પાણા થઈ ગયા હોય, જેનો પર્દાફાશ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા આ મામલે જણાવાયુ કે તેઓને જાણ થતાં તેઓએ લીલાપર ગામે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધી છે. અહીં 300થી વધુ સિમેન્ટ જામી ગઈ છે. હજુ પણ મહાપાલિકા તટસ્થ તપાસ કરાવે તો ઘણી જગ્યાએ આવી રીતે સિમેન્ટનો વેડફાટ મળી શકે તેમ છે. આમા જે જવાબદાર છે તેની વિરુદ્ધ ફોજદારી દાખલ કરવામાં આવે તેવી માંગ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે મોરબી શહેરમાં જનભાગીદારીથી સોસાયટીઓમાં આરસીસી રસ્તા બનાવવાના પ્રોજેક્ટ બનાવવા માટે લાખોના ખર્ચે મંગાવાયેલ 400 બેગ સિમેન્ટ વાપર્યા વગર પડી રહેતા જામીને પથ્થર બની ગઈ છે. જે ગાર્ડન વિભાગની બાજુમાં મેદાનમાં પડી છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ એક સમિતિ બનાવી તેને તપાસ સોપી છે. આ સમિતિ ડેપ્યુટી કમિશનર ( પ્રોજેકટ)ની અધ્યક્ષતામાં તપાસ કરી 25 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ સોંપશે.