દરરોજ 1000 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ થઇ શકે તેવી લેબ પણ કાયમી ધોરણે ચાલુ : આરએમઓ સરડવા મોરબી : મોરબી જિલ્લામાં કાળમુખા કોરોના વાયરસે બીજી લહેરમાં તબાહી મચાવ્યા બાદ સજ્જ થયેલ મોરબી સિવિલ હોસ્પિટલ કોરોના મહામારીની ગમે તેવી પરિસ્થિતિ સામે બાથ ભીડવા તૈયાર છે ત્યારે હાલમાં તરખાટ મચાવી રહેલા કોરોના વાયરસના નવા રૂપનો ભય સામે આવ્યો છે એ પહેલા જ મોરબી સિવિલ હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટથી લઈ ઓક્સિજન બેડ સહિતની પૂરતી સુવિધા ઉપલબ્ધ હોવાનું આરએમઓ દ્વારા સત્તાવાર સીટે જાહેર કરવામાં આવ્યું છે.મોરબીમાં કેરળ કનેક્શન ધરાવતા બે શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવા છતાં આરોગ્ય વિભાગ અને મોરબીની સિવિલ હોસ્પિટલ તંત્ર તકેદારીના પગલાં ભરી રહ્યું છે. મોરબી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.સરડવાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં એમીક્રોન સમયથી જ ત્રણ આઈસીયુ સહીત 15 બેડ રીઝર્વ રાખવામાં આવ્યા છે ઉપરાંત 205 ઓક્સિજન બેડ, 35 વેન્ટીલેટર ઉપલબ્ધ છે અને કોરોના મહામારીના દેશમાં સામે આવતા નવા કેસો જોતા નર્સીંગ સ્ટાફ અને તબીબો પણ એલર્ટ મોડ ઉપર છે.નોંધનીય છે કે કોરોના મહામારીની બીજી લહેરમાં મોરબીમાં કોરોના ટેસ્ટ માટે અપૂરતી સુવિધાઓ હતી પરંતુ હાલમાં મોરબીમાં દરરોજ 1000 સેમ્પલ ટેસ્ટ થઇ શકે તેવી આરીટીપીસીઆર લેબોરેટરી પણ કાયમી ચાલુ રાખવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું, જો કે ગંભીર બાબત તો એ છે કે, મોરબી સિવિલ હોસ્પિટલ તંત્ર કોરોના સામે આગોતરા આયોજન સાથે સજ્જ છે પરંતુ સમગ્ર જિલ્લાની જવાબદારી જેમના ઉપર છે તેવા જિલ્લા આરોગ્ય અધિકારીને ફોન ઉપાડવા માટે પણ ફુરસદ ન હોય લોકો સુધી સાચી માહિતી પહોંચે તે માટે વહીવટી તંત્રએ સમસ્યાનું સમાધાન વિચારવું આવશ્યક છે.