કર્ણાટકથી આજે ગાંધીનગર પહોંચેલા ધારાસભ્ય કાંતિલાલ સવારે 9 વાગ્યે સુપરમાર્કેટ જઇ બનાવની જાત તપાસ કરશે મોરબી : મોરબીની પ્રતિસ્ઠાને ઠેસ પહોંચાડતી સુપર માર્કેટની છેડતીની ઘટનાને લઈને ધારાસભ્ય કાંતિલાલ મેદાને ઉતર્યા છે. તેઓએ હુંકાર કર્યો છે કે ગમે તેવો ચમરબંધીનો દીકરો હશે તોય છોડીશું નહિ. મોરબીની સુપર માર્કેટમાં ચાર લુખ્ખા તત્વો શાળા-કોલેજે જતી દીકરીઓની છેડતી કરતા હોય તેવા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ બનાવ અંગે જાણ થતાં જ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ હરકતમાં આવ્યા છે. તેઓએ આ મામલે પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરીને જરૂરી સૂચનાઓ પણ આપી છે. ધારાસભ્ય કાંતિલાલે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું કર્ણાટક પાર્ટીના કામે ગયો હતો. જ્યાંથી આજે હું ગાંધીનગર પરત આવ્યો છું. મેં મોરબીની છેડતીની ઘટના અંગે જાણ્યું છે. આ ઘટનામાં ગમે તે ચમરબંધીનો દીકરો હશે અમે કોઈને છોડવાના નથી. હું કાલે ગાંધીનગરથી નીકળી સીધો સવારે 9 વાગ્યે સુપર માર્કેટ પહોંચવાનો છું. જ્યાં પોલીસ પણ સાથે હશે અને દુકાનદારોને પણ પૂછીશું. અંતમાં તેઓએ કહ્યું કે ગેરકાનૂની કામો કરવાવાળા હજુ પણ પાછા વળી જજો. કોઈને છોડવામાં આવશે નહિ.