મોરબી સબ જેલની અંદર કેદીઓની અલગ જ દુનિયા છે, અહીં તેઓ દિવસ દરમિયાન શુ કરે છે ? તેઓને માનસિક રીતે સ્વસ્થ રાખવા જેલનો સ્ટાફ શુ કરે છે ? : જુઓ સંપૂર્ણ વિગતોમોરબી : ગમે તેવો ખૂંખાર ગુનેગાર હોય, પણ જેલમાં આવીને તેની આંખમાં પશ્ચાતાપ તો દેખાય જ. આ શબ્દો છે મોરબી સબ જેલના અધિક્ષક એચ.એ.બાબરીયાના. મોરબી અપડેટે તેમની વિશેષ મુલાકાત લઈને જેલની અંદર ચાલતી એક કેદીઓની અલગ જ દુનિયા વિશે માહિતી મેળવી હતી. જેલ અધિક્ષકે મોરબી સબ જેલના કેદીઓની દિનચર્યા વિશે જણાવ્યું કે કેદી સૂર્યાસ્ત પહેલા ઉઠી જતા હોય છે. હાલના સમયમાં 6:30 આસપાસ કેદીઓ ઉઠી સવારની ક્રિયાઓ કરી નાસ્તા - પાણી કરે છે. અહીં ખોડિયાર માતાજી, મેલડી માતાજી અને શિવજીનું મંદિર પણ છે. અહીં 2200 જેટલા પુસ્તકોની લાઈબ્રેરી, કેરમ, ચેસ, લુડો જેવી ઇન્ડોર ગેમ્સ છે. દર્દીઓ સવારના આવી પ્રવૃતિઓ કરે છે. ટિવી જોવે છે. કેદીઓ સવારે પૂજા-પાઠ અને નમાઝ અદા કર્યા બાદ કસરત, ગેમ્સ, ટીવી જેવી પ્રવૃત્તિ કરે છે. બાદમાં 10:30 આસપાસ બપોરનું જમવાનું તૈયાર થઈ જાય છે. જે બાદ કેદીઓ અનુકુળતાએ જમે છે. બાદમાં કેદીઓ આરામ ફરમાવે છે. બપોરે 3 વાગ્યે ફરી તેઓ મનગમતી પ્રવૃત્તિ શરૂ કરે છે. જે બાદ 4:30 એ સાંજનું ભોજન તૈયાર થાય છે. ઘણા ત્યારે ભોજન લ્યે છે. બાકીના ભોજન લઈને રાખી દયે છે બાદમાં અનુકુળતાએ જમે છે. અહીં 11 બેરક છે. મહિલાઓ માટે અલાયદી 4 બેરેક છે. 13 મહિલા કેદીઓ પણ છે. પાકા કામના 2 કેદી છે. ઉપરાંત 4થી 6 મહિનાની સજા પડી હોય તેવા પણ ત્રણેક જેટલા કેદીઓ છે. જેલ અધિક્ષક એચ.એ.બાબરીયાએ વધુમાં જણાવ્યું કે આ જેલ કારાવાસ નહિ સુધારાગૃહ છે. અહીં તમામ ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. સોમવારે અને બુધવારે તેઓ દ્વારા કેદીની પર્સનલ વિઝિટ લેવામાં આવે છે. તેને કોઈ સમસ્યા હોય તો તે સાંભળવામાં આવે છે. ઉપરાંત સોમવાર અને ગુરૂવારે સરકારી હોસ્પિટલમાંથી તબીબ આરોગ્ય ચેકઅપ કરવા આવે છે. ટીબી અને એચઆઇવી માટે દર 15 દિવસે રિપોર્ટ થાય છે. અહીં ત્રણેક કેદી સ્વેચ્છાએ ગાર્ડનિંગ કરે છે. ઘણા કેદી સફાઈ અને રસોઈ કરે છે. તેનો પગાર પણ તેઓને મળે છે. અહીં વાંચનના શોખીન હોય તેવા કેદીઓ માટે ખાનગી રીતે 18 અખબારો અને સામાયિકો પણ આવે છે.અંતમાં જેલ અધિક્ષકે જણાવ્યું કે દરેક કેદી અમને વાલીના રૂપે જુએ છે. અમે તેને શક્ય તેટલી પારિવારિક હૂંફ આપવાના પ્રયત્નો કરીએ છીએ. તેઓના જણાવ્યા મુજબ 28 વર્ષની તેઓની નોકરીમાં ખૂંખાર કેદીઓ પણ જેલની ચાર દીવાલ વચ્ચારે બાળક જેવા બની જાય છે. ઘણા કેદીઓ રડી પણ પડે છે. ઘણાએ મજબુરીમાં તો ઘણાએ આવેગમાં આવીને તો કોઈએ લાલચમાં આવી ગુનો કર્યો હોય છે. પણ અહીં તેમની ટીમનો એ જ પ્રયાસ રહે છે કે તેના માનવ અધિકારો જળવાઈ રહે. તેનામાં સુધારો આવે અને અહીંથી છૂટી તે નવી જિંદગી જીવી શકે.કેદીને અઠવાડિયામાં એક મુલાકાત અને 3 ફોન કોલ્સ મળે છેએક કેદીને અઠવાડિયામાં પરિવાર સાથે વિશેષ મુલાકાત મળે છે. તેને જે બે નંબર આપેલા હોય છે. તેમાં અઠવાડિયામાં 3 વાર ફોન કરી શકે છે. બીજા રાજ્યના કેદી હોય તેને 15 દિવસે એક વખત પરિવારને વિડીયો કોલ કરવા મળે છે.જેલમાં 11 પાકિસ્તાની કેદી પણ છેમોરબી સબ જેલમાં 11 પાકિસ્તાની કેદી પણ છે. જેઓને ભુજ જેલમાંથી અહીં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કેદી એનડીપીએસના ગુનામાં સજા કાપી રહ્યા છે. આ ઉપરાંત લીલાપર રોડ પર આવેલા બોરીયાપાટી વાડી વિસ્તાર નજીક વર્ષ 2018માં ત્રિપલ મર્ડર થયું હતું. તેના 12 આરોપી પૈકી 11 આરોપીઓ પણ હાલ અહીં સજા કાપી રહ્યા છે.જેલની ક્ષમતા કરતા બમણા કેદી : જેલ સ્ટાફનું મહેકમ પણ ઓછુંમોરબી સબ જેલમાં 171 કેદીની ક્ષમતા છે. પણ હાલ અહીં 325 જેટલા કેદીઓ રાખવામાં આવ્યા છે. જો કે નવી જેલ બનાવવા માટે હાલ જમીન પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ જેલ સ્ટાફનું 38નું મહેકમ છે પણ હાલ 23નો જ સ્ટાફ છે. ઉપરાંત ડોક્ટરની જગ્યા પણ હાલ ખાલી છે. કેદી ગુનેગાર છે, એનો પરિવાર નહિ : લોકોને જેલ અધિક્ષકનો સંદેશજેલ અધિક્ષક એચ.એ.બાબરીયાએ લોકોને સંદેશ આપતા જણાવ્યું કે કેદી ગુનેગાર છે. એનો પરિવાર નહિ. કેદીના પરિવારને ગુનેગારની નજરે જોવામાં ન આવે. કેદીના જો સંતાન હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો તેઓને મદદરૂપ બનજો.