ગઈકાલે પીએમના આગમન પહેલા સિવિલમાં રાતોરાત રંગરોગાન સહિતની કામગીરી મીડિયામાં છવાતા સ્થાનિક તંત્રએ પોલીસનો પહેરો મૂકીને સિવિલમાં મીડિયાને જવાની મનાઈ ફરમાવી મોરબી : મોરબીમાં ઝૂલતાપૂલની ગોઝારી દુર્ઘટના લઈને ગઈકાલે પીએમના આગમન પહેલા જ સિવિલ હોસ્પિટલમાં રાતોરાત રંગરોગાન, સફાઈ સહિતની કામગીરી કરતા આ કામગીરીથી તંત્ર મોતનો મલાજો જાળવવાનું ચૂક્યું હોવાના તમામ મિડીયામાં અહેવાલ પ્રકાશિત થતા સ્થાનિક તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ હતી. ત્યારે પીએમ ગયા પછી સિવિલમાં પોતાની વધુ બેદરકારી છતી ન થાય તે માટે મીડિયાને સિવિલમાં નો એન્ટ્રી ફરમાવી દેવામાં આવી છે. મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટનાને પગલે છેલ્લા ત્રણ દિવસથી દેશ વિદેશની તમામ ન્યુઝ ચેનલોના મોટા રિપોટરોના કાફલા સાથે ત્રણ દિવસથી મોરબીમાં મુકામ કર્યો છે અને ઘટનાસ્થળે ગ્રાઉન્ડ જીરો રીપોર્ટ કરી તમામ ન્યુઝ ચેનલો આ ઘટનાની પળેપળની માહિતી પ્રસારિત કરી રહ્યું છે. દરમિયાન ગઈકાલે પીએમ મોદી આવ્યા હોવાનું પોતાની બેદરકારી છતી ન થાય તે માટે રાતોરાત મોરબી સિવિલ હોસ્પિટલમાં રંગરોગાન, સફાઈ સહિતની તમામ કામગીરી કરી હતી. જે વર્ષોથી સિવિલમાં ખદબદતી ગંદકીને એક જાટકે દૂર કરી દેવાય હતી. આથી નેતાઓ માટે કામ કરતું તંત્ર પ્રજા માટે કામ કરવામાં કેમ ઉણું ઉતરે છે તે અંગે તમામ મીડિયાએ અહેવાલો પ્રસારિત કરી તંત્રના મોતનો મલાજો ન જાળવવાની બાબત ઉજાગર કરી હતી. પોતાની પોલ ઉઘાડી થઈ જતા સિવિલ તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ હતી અને વધુ પોતાની બેદરકારી છતી ન થાય એ માટે સિવિલમાં તમામ મીડિયાને નો એન્ટ્રી કરી દેવામાં આવી છે. ઇજાગ્રસ્ત તેમજ અન્ય બાબતનું કવરેજ માટે મીડિયાને અટકવવા સિવિલમાં પોલીસનો કડક પહેરો મૂકી દીધો છે. અને કોઈપણ મીડિયાને સિવિલ જવાની મનાઈ ફરમાવી દેતા તંત્રનો ફરી એકવાર ઢાંકપિછોડો ખુલ્લો પડી ગયો છે.