પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.એસ. દામાએ જોખમી ટાંકીઓ અંગે ગ્રામ પંચાયતોને આપી ખાસ માહિતી મોરબી અપડેટ : મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં બે અલગ-અલગ જગ્યાએ જૂની અને જર્જરિત બની ગયેલી પાણીની ઊંચી ટાંકીઓ તોડતી વખતે આસપાસના બાંધકામમાં નુકસાન થયેલ . આ કામગીરી અંગે મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.એસ. દામાએ આ ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને અન્ય ગ્રામ પંચાયતો માટે જૂની ટાંકીઓ ઉતારવા અંગે જરૂરી માર્ગદર્શિકા પણ આપી હતી.મળતી માહિતી મુજબ, ગત 13 ઓગસ્ટના રોજ ટંકારા તાલુકાના હીરાપર ગામે ગ્રામ પંચાયત હસ્તકની જૂની ટાંકી તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ 14 ઓગસ્ટના રોજ પાણી પુરવઠા વિભાગ હસ્તકના હળવદ તાલુકાના ખેતરડી હેડવર્કસ ખાતે આવેલી 30 વર્ષ જૂની અને જર્જરિત ટાંકીને સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરવામાં આવી હતી. ત્યારે નવી ટાંકી ને કોઈ નુકસાન થયેલ નથી અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતરડી હેડવર્કસથી 18 ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે અને ત્યાં નવી 10 લાખ લીટરની ક્ષમતાવાળી 25 મીટર ઊંચી ટાંકી બનાવવામાં આવી હોવાથી આ જૂની, બિનઉપયોગી અને ભયજનક ટાંકીને ઉતારી લેવાની આવશ્યકતા ઊભી થઈ હતી.ખેતરડી ખાતેની કામગીરી પડકારજનક હતી કારણ કે ત્યાં ટાંકી પાડવાની જગ્યા ખૂબ જ સાંકડી (માત્ર 10 મીટર) હતી. આસપાસ નવી ટાંકી, ભૂગર્ભ સંપ, પંપ હાઉસ અને સ્ટાફ ક્વાર્ટર આવેલા હતા. આવી પરિસ્થિતિમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અભિપ્રાય લઈને કાળજીપૂર્વક કામગીરી કરાઈ હતી. ટાંકીને કેબલ વાયરથી બાંધી, તેના નીચેના શાફ્ટમાં કટ મારીને અત્યંત ચોકસાઈથી જે દિશામાં પાડવાની હતી તે જ દિશામાં પાડવામાં આવી હતી, જેનાથી નવી ટાંકી કે અન્ય કોઈ જ માળખાને નુકસાન થયું ન હતું.આ કામગીરીની સફળતા બાદ ઈજનેર એમ.એસ. દામાએ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને અપીલ કરી છે કે જ્યારે પણ વર્ષો જૂની જર્જરિત ટાંકી ઉતારવાની કામગીરી કરવાની હોય ત્યારે ફરજિયાતપણે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટનો અભિપ્રાય લેવો. જો ટાંકી માનવ વસાહતની વચ્ચે હોય તો તેને સીધી પાડવાને બદલે સૌપ્રથમ સૌથી ઉપરનો ભાગ (કન્ટેનર કે જ્યાં પાણીનો સંગ્રહ થાય છે) બ્રેકરથી તોડવો અને ત્યારબાદ ધીમે ધીમે નીચેનો ભાગ તોડવો જોઈએ. વધુમાં, કોઈપણ જાનહાનિ ટાળવા માટે કામગીરીના એક દિવસ અગાઉ નજીકના પોલીસ સ્ટેશન અને સ્થાનિક રહેવાસીઓને જાણ કરવી અત્યંત જરૂરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #WaterSupplyDepartment #Demolition #Halvad #Tankara #PublicSafety #GramPanchayat