ટંકારા : ટંકારાના નાનાખીજડિયાના હવામાન નિષ્ણાત રમેશ બસીયાના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ એટલે કે 10 થી 17 ઓક્ટોબર દરમિયાન મોરબી સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠા કે વરસાદની કોઈ શક્યતા નથી. હાલમાં પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે, પરંતુ તે ધીમે ધીમે નબળી પડી જશે અને તેની ગુજરાત પર કોઈ અસર થવાની સંભાવના નથી.આગામી 24 કલાકમાં ગુજરાતના બાકી રહેલા વિસ્તારોમાંથી પણ ચોમાસું સંપૂર્ણપણે વિદાય લેશે. આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાશે. આકાશમાં અમુક દિવસોમાં છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે, પરંતુ ભેજનું પ્રમાણ ઘટશે. તાપમાનની વાત કરીએ તો, ન્યૂનતમ તાપમાન 21થી 24 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આગાહીના છેલ્લા દિવસોમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.