મોરબી : મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લામાં 'પ્રોજેક્ટ દ્રષ્ટિ' અંતર્ગત સ્પષ્ટ દ્રષ્ટિ, ઉજ્જવળ ભવિષ્ય અને આંખોમાં ઉજાસ આંજવાના હેતુથી નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ, ભારત કેર અને HDFC બેંકના સહયોગથી એક સરાહનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબીની ટી.કે. હોટેલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના 1398 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટ અંતર્ગત મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાની જુદી જુદી શાળાઓમાં કુલ 30,094 બાળકોની આંખોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 5,190 વિદ્યાર્થીઓને ચશ્માના નંબર આવ્યા હતા. તે પૈકી મોરબી જિલ્લાના 1398 વિદ્યાર્થીઓ માટે આ ખાસ ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નિરામય ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. હરીપ્રકાશ હડિયલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં સરેરાશ 14% બાળકો દ્રષ્ટિની ક્ષતિ ધરાવે છે, જ્યારે રાજકોટ અને જામનગરમાં આ પ્રમાણ 20% જેટલું છે. ત્રણેય જિલ્લામાં સરેરાશ 17.25% બાળકો આંખની ક્ષતિ ધરાવે છે.આ કાર્યક્રમમાં નિરામય ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. હરીપ્રકાશ હડિયલ, સિનિયર પ્રોગ્રામ ઓફિસર ડૉ. ગૌરવ શુક્લ, ડૉ. અશ્વિનભાઈ નકુમ, ઓપ્ટોમેટ્રિસ્ટ વ્હાબભાઈ જીંદાણી, આરસીએચઓ ડૉ. સંજય શાહ, જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોરબી જિલ્લાની 40 જેટલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આચાર્યોને 1398 વિદ્યાર્થીઓ માટેના ચશ્માના બોક્સ અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા અને આરસીએચઓ ડૉ. સંજય શાહે પ્રેરણાદાયી વક્તવ્યો આપી નિરામય ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. ત્યારબાદ ડૉ. હરીપ્રકાશ હડિયલે સંસ્થા દ્વારા ચાલતા પ્રોજેક્ટ દ્રષ્ટિ, ઓરલ કેન્સર, એનીમિયા અને આર્ટિફિશિયલ હાથ જેવા વિવિધ સેવાકીય પ્રોજેક્ટ્સ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ. ગૌરવ શુક્લાએ પ્રોજેક્ટ દ્રષ્ટિની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ કર્મયોગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #ProjectDrishti #EyeCheckup #NiramayCharitableTrust #HDFCBank #BharatCares #StudentWelfare #HealthCare