નવલા નોરતા બાદ દશેરાએ હવનનું પણ આયોજનમોરબી: વાંકાનેર નજીક આવેલ પ્રસિદ્ધ માટેલધામ ખોડિયાર મંદિર ખાતે નવરાત્રી પર્વમાં દરરોજ સવારે અને સાંજે મહાઆરતી, ભાવિકો માટે પ્રસાદ સાથે નવરાત્રીના નવેય દિવસ દરમિયાન શરૂઆતમાં માતાજીના પાંચ ગરબા ગાઈ બાદમાં માતાજીનું આખ્યાન યોજવામાં આવશે. મંદિરના પૂજારી ચેતનભાઈએ જણાવ્યું હતું કે, દરરોજ વહેલી સવારે 4.30 કલાકે મંદિર ખુલશે અને રાત્રીના 9.30 કલાકે દર્શન બંધ થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 દિવસ આખ્યાનનું આયોજન કરાયું છે. તેમજ બે ટાઈમ પ્રસાદની પણ સુવિધા કરવામાં આવી છે. માતાજીની આરતીનો સમય સવારે 5 વાગે તેમજ સાંજે 07:15 વાગ્યાનો રહેશે. નોંધનીય છે કે, સામાન્ય દિવસોમાં અહીં દૈનિક 4થી 5 હજાર લોકો આવતા હોય છે જ્યારે નવરાત્રીમા દસથી બાર હજાર ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત નવલા નોરતા બાદ દશેરા નિમિતે હવનનું પણ આયોજન કરાયું છે.