15થી વધુ એકમોમાં પેટકોક અંગેના ચેકિંગમાં 9 ફેકટરીઓમાં પેટકોકનો વપરાશ સામે આવ્યો: રૂ. 1.25 કરોડનો દંડ ફટકારાયોમોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સીરામીક ઉદ્યોગ હાલમાં મંદીમાં ગરક છે ત્યારે અગાઉની કોલગેસ પ્લાન્ટ મામલે એનજીટીનો દંડનો પ્રશ્ન હજુ નથી ઉકેલાયો ત્યાં જ મોરબીના કેટલાક ઉદ્યોગકારો દ્વારા પેટકોકનો વપરાશ શરૂ કરવામાં આવતા આ મામલે ફરિયાદોનો ધોધ વછુટતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કચેરીએ કડક પગલાં લઈ આવી નવ ફેકટરીઓમાં પેટકોકનો વપરાશ પકડી પાડી આ નવેય ફેકટરીઓને સીલ કરી સવા કરોડનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે.સીરામીક નગરી મોરબીમાં હાલમાં મંદીના માહોલમાં ટકી રહેવા અને અન્ય ઉદ્યોગકારોની તુલનાએ સસ્તાભાવે માલ વેચવા માટે છેલ્લા થોડા સમયથી મોરબીના કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા પેટકોક એટલે કે, પેટ્રોલિયમ કોલસાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. જો કે, મોરબી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એક ઉચ્ચ અધિકારીના આશીર્વાદથી લાંબા સમયથી આ કાંડ ચાલી રહ્યો હોય ઉચ્ચકક્ષાએ ફરિયાદો પહોંચી હતી જેને પગલે વિવાદિત અધિકારીની બદલી કરી જીપીસીબીમાં નવા અધિકારીની નિમણુંક થતા જ પેટકોક વપરાશની ફરિયાદો મામલે ગંભીરતાથી લઇ 15થી વધુ ફેકટરીઓમાં ચેકીંગ કરવામાં આવતા નવ ફેકટરીઓમાં પેટકોકનો વપરાશ સામે આવ્યો હતો.દરમિયાન મોરબી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના રિજિયોનલ અધિકારી સુનિલ માલસેતાએ જણાવ્યું હતું કે, મોરબીમાં પેટકોકનાં વપરાશ મામલે ફરિયાદો બાદ ચેકીંગ કરવામાં આવતા નવ ફેકટરીઓમાં પેટકોકનો વપરાશ પકડી પાડી ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ કરી આ નવેય ફેકટરીઓને ક્લોઝર આપવામાં આવ્યું છે. વધુમાં જીપીસીબીએ કરેલી આ કાર્યવાહીમાં 2 ફેકટરીઓ લઘુ ઉદ્યોગની વ્યાખ્યામાં આવતી હોવાથી 10-10 લાખ તેમજ અન્ય સાત ફેક્ટરી મધ્યમ કક્ષાની હોય એક એક ફેક્ટરીને 15-15 લાખ મળી 1.05 કરોડનો દંડ ફટકરાવમાં આવતા કુલ મળી 1.25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.પેટકોક ગેસ કરતા પડે છે સસ્તોમોરબીના સીરામીક એકમો દ્વારા અગાઉ કોલગેસ વપરાશ કરવામાં આવતો હતો. જો કે, એનજીટીના આદેશ બાદ અહીં પાઈપલાઈન નેચરલ ગેસ તેમજ એલપીજી ગેસનો વપરાશ કરવામાં આવે છે. જો કે, કેટલાક ધંધાર્થીઓ દ્વારા સસ્તાભાવે માલ વેચી અન્ય ઉદ્યોગકારો સાથે હરીફાઈ કરવા માટે છેલ્લા થોડા સમયથી ગેસને બદલે પેટ્રોલિયમ કોલસો એટલે કે પેટકોકનો વપરાશ શરૂ કરી દીધો હતો.જેને પગલે સીરામીક ઉદ્યોગકારોમાંથી જ જીપીસીબીને પેટકોક અંગે ફરિયાદ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.પેટકોકથી ફેલાઈ છે પ્રદુષણફેકટરીઓમાં પેટકોકનો વપરાશ બોઈલર, ફરનેસ અને પાવર જનરેશન માટે થાય છે. પેટકોકમાં સલ્ફર અને અન્ય પ્રદૂષકો વધુ માત્રામાં હોવાથી હવામાં PM 2.5 નું પ્રમાણ વધે છે અને પર્યાવરણ તેમજ માનવજાત માટે પેટકોક હાનિકારક છે. નોંધનીય છે કે, ભારત સરકાર અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પેટકોકના ઉપયોગ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે છતાં પણ સસ્તા ઇંધણ તરીકે ચોરીછૂપીથી પેટકોકનો ખુબ જ વપરાશ થાય છે.ફેક્ટરી પેટકોકનો ગેરકાયદેસર વપરાશ પકડાય, તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, 1986 અને એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981 હેઠળ લેવામાં આવે છે.