જીપીસીબીએ પદુષણ ફેલાવવા મામલે કરોડોના ફટકારેલા દંડ ઉપર હાઇકોર્ટે 17 ફ્રેબ્રુઆરી સુધી સ્ટે આપ્યો મોરબી : મોરબીના સીરામીક ઉધોગકારોને જે તે વખતે ગેઝિફાયરથી પ્રદુષણ ફેલાવવા મામલે પ્રદુષણ કંટ્રોલ બોર્ડ રૂ. 500 કરોડના દંડ ફટકાર્યા હતા.આ જીપીસીબીના માતબર રકમના દંડને સીરામીક ઉધોગકારોએ હાઇકોર્ટમાં પડકાર્યો છે.આ કેસની ગઈકાલે મુદત દરમિયાન હાઇકોર્ટે જીપીસીબીને નોટિસ ફટકારી કરોડો રૂપિયાના દંડ ઉપર 17 ફ્રેબ્રુઆરીની મુદત સુધી સ્ટે આપ્યો છે. આથી, સીરામીક ઉધોગકારોને કરોડો રૂપિયાના દંડમાંથી હાલ પૂરતી રાહત થઈ છે. મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા આ કેસની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે એનજીટી કોર્ટના આદેશ બાદ મોરબીના તમામ સીરામીક ઉધોગકારોએ કોલગેસનો વપરાશ બંધ કરી દીધો છે. ત્યારે પ્રદુષણ કંટ્રોલ બોર્ડ જે તે સમયે ગેસીફાયરથી પ્રદુષણ ફેલાવીને પર્યાવરણને ગંભીર નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવીને સીરામીક ઉધોગકારોને રૂ. 50 હજારથી માંડીને રૂ. 2.50 કરોડ સુધીના કુલ રૂ. 500 કરોડ જેટલા માતબર રકમની દંડ ભરવાની નોટિસો ફટકારી હતી. આથી, આટલા મોટા પ્રમાણ દંડથી સીરામીક ઉધોગકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને અંતે આ મામલે હાઇકોર્ટેનો આશરો લેવામાં આવ્યો હતો. જેમાં કરોડો રૂપિયાના ગેરવાજબી દંડ મામલે સીરામીક ઉધોગકારોએ વકીલો હિતેષ ખંભોળજા, મહિર જોશી, શાલીન મહેતાને રોકીને હાઇકોર્ટેમાં વ્યક્તિગત કેસ દાખલ કર્યા હતા.આ કેસની ગઈકાલે હાઇકોર્ટેમાં મુદત હતી ત્યારે સીરામીક ઉધોગકારો વતી રોકાયેલા વકીલે સીરામીક ઉધોગકારોને ખોટી રીતે દંડ ફટકાર્યો હોવાની ધારદાર દલીલો રજૂ કરતા અંતે હાઈકોર્ટે જીબીસીબીને નોટિસ ફટકારી છે અને સીરામીક ઉધોગકારોને ફટકારેલા રૂ. 500 કરોડના દંડ ઉપર તા.17 ફ્રેબ્રુઆરી સુધી સ્ટે આપ્યો છે. હવે પછી આ કેસની 17 ફેબ્રુઆરીએ મુદત છે.ત્યારે આ કેસમાં સીરામીક ઉધોગકારોને હાઇકોર્ટે રાહત આપી છે. ત્યારે સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ ઉંધરેજાએ આ કેસમાં હાઇકોર્ટે સીરામીક ઉધોગકારો તરફી વલણ અપનાવ્યું હોય અને આ કેસમાં સીરામીક ઉધોગકારોને ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી છે.