અંદાજે બે કરોડના ખર્ચે ઓરેવા કંપની દ્વારા રિનિવેશન કાર્ય પૂર્ણ કરાયું : ઐતિહાસિક ધરોહરને સાચવીને ઉપયોગ કરવા જયસુખભાઈની અપીલ મોરબી : સમગ્ર વિશ્વમાં એક માત્ર કહી શકાય તેવો ખરેખર ઝૂલતો પુલ આગામી બેસતા વર્ષથી પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવશે, આજે પત્રકાર પરિષદમાં આ અંગેની સતાવર જાહેરાત ઝૂલતા પુલને રીનોવેશન કરનાર ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે મોરબી ખાતે કરી હતી. સાથે જ આગામી સમયમાં રાત્રે પણ ઝૂલતો પુલ ખુલ્લો રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેવું પણ તેમને જાહેર કર્યું હતું. મોરબીના પ્રજાવત્સલ રાજવી પરિવાર દ્વારા મોરબીવાસીઓને આપવામાં આવેલી વિશ્વના એક માત્ર ઝૂલતો પુલ સાત મહિના સુધીના રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં આગામી નુતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત આજે પત્રકાર પરિષદમાં ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી. ખાસ કરીને રૂપિયા 2 કરોડના ખર્ચે રીનોવેટ થયેલ ઝૂલતા પુલને આગામી 12થી 15 વર્ષ સુધીની મજબૂતાઈ આપવામા આવી છે. ઓરેવા કંપનીના દીપકભાઈ પારેખે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એન્જિનિરીંગની અજાયબી 142 વર્ષ જૂનો અને આશરે 765 ફુટ લાંબો આ ઝૂલતો પૂલ માત્ર મોરબી જ નહિ પણ સમગ્ર દેશ માટે એઇતિહાસિક અને દુર્લભ વિરાસત છે. આવી બેજોડ અને બેનમૂન વિરાસત નેધડમૂળ થી રીનોવેશન કરીને ફરીથી જનતા માટે ચાલુ કરવાની કટીબદ્ધતા અજંતા- ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો અને પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલે એ દર્શાવી હતી. આજે આ દુલઁભ અને એઇતિહાસિક પૂલ નું કામ પૂર્ણતા તરફ છે. દિપકભાઈ પારેખ પાસેથી મળેલ માહિતી મુજબ ઐતિહાસીક ઝૂલતો પુલ બેસતા વષઁથી એટલે કે તારીખ 26-10-2022થી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. ઝૂલતા પુલનો ઈતિહાસ જોઈએ તો 20-02-1879 ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાત મુહુતઁ થયુ અને તે સમયે આશરે 3.5 લાખના ખઁચે ઇ.સ. 1880 માં પુર્ણ થયો. અને આ સમયે પુલ નો સામાન ઇંગ્લેન્ડ થી આવેલ હતો. દરબારગઢથી નઝરબાગ ને જોડવા આ પુલનુ નીમાઁણ થયુ. હાલ આ ઝૂલતો પૂલ મહા પ્રભુજી ની બેઠક અને સમગ્ર સામા કાંઠા વિસ્તાર ને જોડે છે. ઓરેવા કંપનીના દીપક પારેખ વધુમાં માહિતી આપતા જણાવે છે કે ઉપર ખુલ્લું આકાશ અને નીચે ખીણ સમાન નદી અને વચ્ચે દોરડા પર લટકતા આ પૂલ ને રીનોવેશન કરવાના કઠિન કાર્ય ને પૂર્ણ કરવા છેલ્લા 6 માસથી એન્જીનીયરો, કોન્ટાકટરો અને સ્પેશીયલ ફેબ્રીકેટરો ની ટીમોં કામે લાગી અને ઝૂલતા પુલની સંપૂઁણ કાયાપલટ કરી જેમાં અંદાજીત 2 કરોડ નો ખર્ચ કરાયો છે. ઝૂલતા પૂલના રીનોવેશન માટેનું કોર મટીરીયલ જિંદાલ કંપની પાસેથી તૈયાર કરાવાયુ તેમજ સ્પેશ્યલ ગ્રેડ ની લાઈટ વેઇટ અલ્યુમિનીમ શીટ તૈયાર કરાવાઈ જેનાથી પુલની હેંગીગ પ્રોપઁટી મેઇનટેન રહે. એવુ કહેવુ જરાય અસ્થાને નથી કે કદાચ આટલી માત્રા માં ઝૂલવાની ક્ષમતા ધારાવતો બેજોડ પૂલ કદાચ ગુજરાતી નહી પણ દેશમાં બીજે ક્યાંય નથી માટે મોરબી ને મળેલ આ અલોકીક વીરાસતને સાચવવાની નૈતિક જવાબદારી આપણા સૌની બને છે. આ પુલ પરથી પસાર થઈને તેમાં ઝુલવા ના લાવો યાદગાર અને અલોકીક છે. ગુજરાત તેમજ દેશની જનતા આ દુર્લબ પૂલને લાંબા સમય માટે માણે તે માટે મોરબીની ધરોહર સમાન ઝૂલતા પૂલ સાથે ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલના લગાવને કારણે આ બીજી વખત ઝૂલતા પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ કરાયું છે ત્યારે મોરબીવાસીઓની વિશેષ જવાબદારી બને છે કે આ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા સંયમ પૂર્વક ઝૂલતા પુલનો ઉપયોગ કરીએ. નોંધનીય છે કે ઝૂલતા પુલના લાકડાના પાટિયાના સ્થાને એલ્યુમિનિયમ હનિકોબ ટેકનોલોજીનો ઉપયોગ કરી એલ્યુમિનિયમ મટિરિયલની મજબૂત ચેનલ થકી મજબૂતાઈ પ્રદાન કરી ઝૂલતો પુલ ઝૂલતો રહે તે માટે બેરિંગ સહિતના મટીરીયલ બદલવામાં આવ્યા છે. વધુમાં ઝૂલતા પુલના ટિકિટ ચાર્જમાં જિલ્લા કલેકટર અને નગરપાલિકાના નીતિનિયમોને અનુસરી મામુલી કહી શકાય તેવો મોટેરાઓ માટે 17 રૂપિયા અને બાળકો માટે 12 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે અને પ્રવાસી સ્કૂલના બાળકો માટે બિલકુલ રાહતદરે ટિકિટ રાખવામાં આવી છે અને ભવિષ્યમાં મણીમંદિરની જેમ લોકોનો ધસારો ન થાય તે માટે ટિકિટ દર રાખવામાં આવ્યા હોવાનું ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈએ ઉમેરી કહ્યું હતું કે ટૂંક સમયમાં રાત્રે પણ ઝૂલતો પુલ સિમિત સમય માટે ચાલુ રહે તેવી વ્યવસ્થા પણ વિચારાધીન છે. લોકોને મોરબીના વારસાને જતન પૂર્વક જાળવી રાખી ઉપયોગ કરવા તેમને અંતમાં અનુરોધ કર્યો હતો.