મહાપાલિકા દ્વારા નિર્મિત બગીચામાં યોગા પોઇન્ટ, વોકવે અને RO પ્લાન્ટ સહિતની સુવિધાઓ: નાગરિકો માટે નિઃશુલ્ક પ્રવેશમોરબી અપડેટ : ગાંધી જયંતીના પાવન અવસરે મોરબી વાસીઓને નવી ભેટ મળી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા 1.75 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 'સુરજ બાગ'નું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બગીચામાં લોકો માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને આગામી સમયમાં શહેરમાં વધુ વિકાસના કામો હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે.મંત્રી કાંતિલાલ અમૃતિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની યોજના અંતર્ગત 1.75 કરોડ રૂપિયાના ખર્ચે આ સુરજ બાગ બનાવવામાં આવ્યો છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા 2 વર્ષ સુધી બગીચાની જાળવણી કરવાની શરત રાખવામાં આવી છે. ચોમાસાની સિઝન પૂર્ણ થતા હવે મોરબીમાં વિકાસના કામોએ ગતિ પકડી છે. આગામી સમયમાં ઓક્સિજન પાર્ક અંતર્ગત અંદાજે 2 લાખ જેટલા વૃક્ષો વાવવાનું આયોજન છે. આ ઉપરાંત, દર અઠવાડિયે 1 થી 2 નવા કામો જેવા કે નવા બગીચા, પીવાના પાણીની વ્યવસ્થા અને ગટર વ્યવસ્થાના કામો શરૂ કરવામાં આવશે. કાંતિલાલ અમૃતિયાએ લોકોને અપીલ કરી હતી કે આ બગીચો લોકોની મિલકત છે, તેથી પોતાના ઘરની જેમ જ નાગરિકોએ તેની જાળવણી કરવી જોઈએ.મોરબીના મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા દ્વારા સુરજ બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બગીચામાં યોગા પોઇન્ટ, વોકવે, RO પ્લાન્ટ જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લોકો માટે આ બગીચામાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી રાખવામાં આવી નથી, તે સંપૂર્ણપણે ફ્રી છે. ઉત્તમ સુરાણીએ મોરબીના નાગરિકોને આ બગીચાની જાળવણી કરવા અનુરોધ કર્યો હતો અને ભવિષ્યમાં મહાનગરપાલિકા દ્વારા આવા વધુ નવા ગાર્ડન વિકસાવવાની ખાતરી આપી હતી.#Morbi #MorbiNews #SurajBaug #MorbiMahanagarpalika #KantilalAmrutiya #UttamSurani #GujaratNews