વાંકાનેર દરવાજા પાસે આવેલી ભોજનશાળા ખાતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે જનોઈ ધારણ કાર્યક્રમ યોજાયોમોરબી અપડેટ : મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે ગુરુવાર, 27 ઓગસ્ટના રોજ નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 85 જેટલાં ભૂદેવોએ નવી જનોઈ ધારણ કરી હતી.વાંકાનેર દરવાજા પાસે, રામઘાટ માર્ગ પર આવેલી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા ખાતે સવારે 8:30 થી 12:00 વાગ્યા દરમિયાન આચાર્ય વિપુલભાઈ પી. શુક્લના આચાર્યપદે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બ્રાહ્મણ પરિવારોએ ઉપસ્થિત રહી વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી યજ્ઞોપવિત (જનોઈ) ધારણ કરી હતી.આ અંગે આચાર્ય વિપુલભાઈ શુક્લએ મોરબી અપડેટની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં અંદાજે 80 થી 85 જેટલા ભુદેવોએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી હતી. શ્રાવણી પર્વને બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. આજના પવિત્ર દિવસે શ્રાવણ સુદ પૂર્ણિમા અને ગુરુવારનો શુભ સંયોગ છે. આ દિવસે વિશેષ કરીને યજુર્વેદી ભુદેવો નૂતન યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે. આજના કાર્યક્રમમાં ભુદેવો દ્વારા દેહશુદ્ધિ પ્રાયશ્ચિત, ગણેશ-અંબિકા પૂજન, વિષ્ણુ પૂજન અને અરુંધતી સહિતના સપ્તર્ષિઓ તેમજ દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું.વધુમાં તેમણે કહ્યું હતું કે, આજના દિવસે યજ્ઞોપવિત ધારણ કરવાનું વિશેષ મહત્વ છે. ભુદેવો માટે યજ્ઞોપવિત બદલવી એ એક પ્રકારનું 'રિચાર્જ' છે, જેનાથી તેઓને સંધ્યા ઉપાસના, તપશ્ચર્યા, હોમ-હવન અને દાન-પુણ્ય જેવા કર્મો કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ધર્મ સિંધુના મત અનુસાર, આજે સવારે 9:09 વાગ્યાથી પૂર્ણિમા તિથિની શરૂઆત થઈ છે અને સાથે ધનિષ્ઠા નક્ષત્ર પણ છે. ધનિષ્ઠા નક્ષત્રમાં ઉપાકર્મ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેથી આજે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.આ ધાર્મિક કાર્યક્રમમાં મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળના પ્રમુખ રમેશભાઈ એમ. રાવલ, ઉપપ્રમુખ મનીષભાઈ કે. શુક્લ, મંત્રી મહેશભાઈ એચ. પંડિત, સહમંત્રી હિતેશભાઈ પી. જાની તથા સર્વે ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiNews #MorbiUpdate #BrahminSamaj #Yajnopavit #ReligiousProgram #MorbiCity #GujaratNews