રાજ્ય સરકાર દ્વારા સુઈંગ ટેક્નોલોજી, બેઝિક કોસ્મેટોલોજી અને ફેશન ડિઝાઇનિંગ કોર્સને મંજૂરી, 2026ના સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂમોરબી : વાંકાનેર 67-વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી દ્વારા ગત 6-11-2025 ના રોજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની આઈટીઆઈ ખાતે મહિલાઓ માટે તાલીમ કોર્સ વહેલી તકે ચાલુ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં બેઝિક સીવણ, બેઝિક કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), સ્ટેનોગ્રાફર અને ફેશન ડિઝાઇનિંગ જેવા 4 કોર્સની માંગ કરાઈ હતી.ધારાસભ્યની આ રજૂઆતને મોટી સફળતા મળી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સેહરા દ્વારા 23-04-2026 ના રોજ પત્ર પાઠવીને ધારાસભ્યને હકારાત્મક પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે. પત્રમાં જણાવ્યા અનુસાર, વાંકાનેર આઈટીઆઈ ખાતે મહિલા તાલીમ કોર્સ શરૂ કરવા અંગે નિયામક, રોજગાર અને તાલીમને સૂચના આપવામાં આવી હતી. જેના પગલે નિયામકની કચેરી દ્વારા પ્રવેશસત્ર 2026 અંતર્ગત બિનલોકપ્રિય ટ્રેડની બેઠકોનું રૂપાંતર કરીને મહિલાઓ માટે સુઈંગ ટેક્નોલોજી, બેઝિક કોસ્મેટોલોજી તથા ફેશન ડિઝાઈન એન્ડ ટેક્નોલોજી ટ્રેડ શરૂ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રોજગાર અને તાલીમ નિયામકની કચેરીના અહેવાલમાં પણ જણાવવામાં આવ્યું છે કે પ્રાદેશિક કચેરી રાજકોટના અભિપ્રાય મુજબ વાંકાનેર ખાતે આ મહિલા સંબંધિત ટ્રેડ શરૂ કરી શકાય તેમ છે. સરકાર દ્વારા આ કોર્સને મંજૂરી આપી દેવામાં આવી છે અને હાલમાં 2026 ના સત્ર માટે એડમિશન પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે. ત્યારે વાંકાનેર વિસ્તારની વધુને વધુ બહેનો આ સરકારી કોર્સમાં એડમિશન લઈને લાભ લે તેવી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.#Wankaner #MorbiUpdate #ITICourses #WomenEmpowerment #JitubhaiSomani #WankanerITI #GujaratNews #SkillDevelopment