દેહવ્યાપાર અને નશીલા દ્રવ્યોના સેવનને ડામવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા કડક આદેશો જારી કરાયા; નિયમોનો ભંગ કરનાર સામે લેવાશે શિક્ષાત્મક પગલાં.મોરબી અપડેટ: મોરબી જિલ્લાના રહેણાક અને ઔદ્યોગિક વિસ્તારોમાં ચાલતા સ્પા અને મસાજ પાર્લરની આડમાં થતા દેહવ્યાપાર અને નશીલા કેફી દ્રવ્યોના સેવન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. અસામાજિક તત્વો દ્વારા આવા પાર્લરની આડમાં ગુનાહિત કૃત્યો કરી જાહેર શાંતિ અને સલામતીનો ભંગ ન થાય તે હેતુથી, મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા સ્પાના નિયમન અને નિયંત્રણ માટે એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.સ્પા અને મસાજ પાર્લર સંચાલકો માટેના મુખ્ય નિયમો:CCTV કેમેરા ફરજિયાત: સ્પા કે મસાજ પાર્લરમાં એન્ટ્રી, રિસેપ્શન અને કોમન એરિયામાં રેકોર્ડિંગ સુવિધાવાળા CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે.રેકોર્ડિંગની જાળવણી: છેલ્લા 3 મહિના સુધીનું CCTV રેકોર્ડિંગ સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે અને જરૂર પડ્યે સંબંધિત પોલીસ સ્ટેશને પૂરું પાડવાનું રહેશે.કર્મચારીઓની સંપૂર્ણ માહિતી: સંચાલકોએ પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓની સંખ્યા, ફોટોગ્રાફ્સ, મૂળ વતનનું સરનામું, હાલનું સરનામું અને મોબાઈલ નંબર જમા કરાવવાના રહેશે.વિદેશી કર્મચારીઓ અંગે કડકાઈ: જો કર્મચારી વિદેશી હોય, તો તેમના પાસપોર્ટ અને વિઝાની નકલ, કયા વિઝા પર ભારતમાં આવ્યા છે તેની માહિતી સહિતની વિગતો ફરજિયાત આપવાની રહેશે.પોલીસ રજિસ્ટ્રેશન પ્રક્રિયા: સ્પા સંચાલક અને કર્મચારીઓના પાસપોર્ટ સાઈઝના ફોટા, બંનેના સરનામા, અને સાક્ષીની સહીઓ સાથેની વિગતો કોરા કાગળ પર ભરીને બે નકલમાં પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. જેમાંથી એક નકલ રિસીવ સહી-સિક્કા સાથે સંચાલકે સાચવી રાખવાની રહેશે.ઓળખ પુરાવા રજૂ કરવાના રહેશે: સ્પા ચલાવનારે પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ અથવા ઈલેક્શન કાર્ડ ઓળખ પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે.જાહેરનામાની અમલવારી:આ જાહેરનામું આગામી તારીખ 30-09-2026 સુધી અમલમાં રહેશે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે, તો તેની સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #SpaRegulations #GujaratNews #MorbiPolice #DistrictMagistrate #SafetyFirst