કોર્પોરેશને 3.5 લાખના ખર્ચે સેન્ડસ્ટોનની નવી પ્રતિમા બનાવડાવીમોરબી : દેશભરમાં આજે મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી થઇ રહી છે ત્યારે દાયકાઓ બાદ મોરબીને આજે બાપુની નવી પ્રતિમાની ભેટ મળી છે, મોરબીના ગાંધી બાગમાં વર્ષોથી સ્થાપિત થયેલ પૂજ્ય બાપુની પ્રતિમા બબ્બે વખત ખંડિત થઇ જતા અંતે મહા પાલિકાએ રૂ.3.50 લાખના ખર્ચે સેન્ડ સ્ટોનમાંથી નવી પ્રતિમા બનાવડાવી છે જેનું આજે હારતોરા સાથે લોકાર્પણ કરવામાં આવ્યું છે.મોરબી શહેરમાં ત્રિકોણબાગ ખાતે મુકાયેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને 70 વર્ષ બાદ બદલવામાં આવી છે. વર્ષ 1954ની આસપાસ સ્થાપિત થયેલી આ જૂની પ્રતિમા છેલ્લા વર્ષોમાં બે વખત ખંડિત થતાં, મહાપાલિકા દ્વારા તેના સ્થાને નવી પ્રતિમા મૂકવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયના ભાગરૂપે, મહાપાલિકાએ એક મહિનાની સઘન જહેમત બાદ તૈયાર થયેલી નવી પ્રતિમાનું આજે ગાંધીજયંતીના અવસરે અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર સંજય સોની અને મહાપાલિકાના અન્ય સ્ટાફની હાજરી રહી હતી. મહાનુભાવો દ્વારા બાપુની નવી પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે,મોરબી મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીના પ્રતિમા સ્થળની કાયાપલટ કરવામાં આવી છે, મહાનગર પાલિકા દ્વારા અહીં દાંડીકૂચની થીમ ઉપર આકર્ષક ચિત્રો દોરી અનેરો માહોલ સર્જ્યો છે. આજે ગાંધીજ્યંતિના અવસરે કોર્પોરેશન દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું હારતોરા અને પૂજન કરી વિધિવત અનાવરણ કરી પ્રતિમા ખુલ્લી મૂકાઈ હતી, જેની હાઈટ 6 ફૂટ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.આ ઉપરાંત સ્વચ્છતા અંગેની વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સપ્ટેમ્બર મહિનામાં સફાઈની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીને પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી શકાય.