વાંકાનેર : ડો. એ.કે. પીરઝાદા માર્કેટ યાર્ડ વાંકાનેર ખાતે આજે તારીખ 30 ઓગસ્ટ ને શનિવારના રોજ સિઝનમાં પ્રથમ વખત નવા કપાસની આવક થઈ છે. તીથવા ગામના ખેડૂત હુસેનભાઈ માહમદભાઈ નવો કપાસ લઈને વાંકાનેર માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવ્યા હતા. જ્યાં યાર્ડના પ્રમુખ ગુલામભાઈ પરાસરા, ઉપપ્રમુખ નાથાભાઈ ગોરીયા, ડિરેક્ટરો, યાર્ડના સેક્રેટરી ઈરફાનભાઈ મેસાણીયા, કર્મચારીઓ, વેપારીઓ, દલાલોએ નવી સિઝનના પ્રથમ કપાસના વધામણા શ્રીફળ વધેરી પેંડા વહેંચીને કર્યા હતા. તીથવા ગામના ખેડૂતોના આ કપાસ ફૈઝ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રૂપિયા 2001 પ્રતિ મણના ભાવે ખરીદવામાં આવ્યો હતો તેમ યાર્ડના સેક્રેટરી ઈરફાનભાઈ મેસાણીયાની યાદીમાં જણાવાયું છે.