શાળાનું બિલ્ડીંગ બની રહ્યું હતું એટલે અત્યાર સુધી બાળકોનું શિક્ષણ કાર્ય કોમ્યુનિટી હોલમાં ચાલતું હતુંહળવદ : હળવદ શહેરની સરકારી શાળા નં.8ના છાત્રોને અંતે નવું બિલ્ડીંગ મળી ગયું છે.અત્યાર સુધી શાળાનુ બિલ્ડીંગ બની રહ્યું હતું એટલે બાળકોનું શિક્ષણ કાર્ય એક જર્જરીત કોમ્યુનિટી હોલમાં ચાલતું હતું.જોકે ત્યાં પણ બે જ ઓરડા હોય અને વિદ્યાર્થીઓની સંખ્યા 144 હોય જેથી ધોરણ ચાર અને પાંચના વિદ્યાર્થીઓને ખુલ્લી જગ્યામાં બેસાડવા પડતા હતા પરંતુ આજથી બાળકો માટે નવું આધુનિક બિલ્ડીંગ ખુલ્લું મુકાયું છે. હળવદના વોર્ડ નં.7માં આવેલ શાળા નં.8નું બિલ્ડીંગ જર્જરીત હોય બાળકોને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરી નવા બિલ્ડીંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. કોમ્યુનિટી હોલમાં પૂરતી જગ્યા ન હોય અમુક બાળકોને ખુલ્લામાં બેસી અભ્યાસ કરવો પડતો હતો.જો કે શાળાનું બિલ્ડીંગ બનીને તૈયાર થઈ ગયું હોવા છતાં તેના લોકાર્પણની રાહે થોડા દિવસો સુધી બાળકોને કોમ્યુનિટી હોલમાં અને ખુલ્લી જગ્યામાં ભણાવવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. જો કે અંતે તંત્રને આંખ ઉઘડતા લોકાર્પણ સમારોહ વગર જ શાળાના નવા બિલ્ડીંગનો ઉપયોગ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.જેથી ગઈકાલે તમામ વસ્તુઓનું શિફ્ટટિંગ કરવામાં આવ્યું હતું. અને આજથી નવા બિલ્ડીંગમાં શાળા શરૂ કરી દેવામાં આવી છે. આજે બાળકો પણ પોતાના નવા વર્ગખંડો જોઈ ઉત્સાહમાં આવી ગયા હતા.