નેત્રયજ્ઞ કેમ્પમાં 504 દર્દીઓની આંખનું નિષ્ણાતો દ્વારા નિદાન કરાયું હળવદ : હળવદના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે તાજેતરમાં નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. આ નેત્રયજ્ઞ કેમ્પમાં ૫૦૪ દર્દી નારાયણએ પોતાની આંખની તપાસ કરાવી હતી. જેમાંથી ૧૩૨ દર્દીઓને મોતિયાનું નિદાન કરવામાં આવ્યું. જેમાંથી ૧૧૮ દર્દીઓના મોતિયાના નિઃશુલ્ક અને અતિઆધુનિક પદ્ધતિથી ઓપરેશન કરવા માટે રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે ત્રણ બસ મારફતે રીફર કરવામાં આવ્યા હતા. હળવદ મધ્યે આવેલ વૈજનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં તાજેતરમાં રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને ભારત સેવક સમાજ દ્વારા સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હળવદ શહેર અને હળવદ આસપાસના ગ્રામ્ય વિસ્તારના આંખની તકલીફ હોઈ તેવા દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં કુલ ૫૦૪ દર્દીઓની આંખનું નિદાન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૩૨ દર્દીને મોતિયાનું નિદાન હાજર આંખના નિષ્ણાંત તબીબ ડૉ. કિરીટ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે ૧૧૮ મોતિયાના દર્દીઓને રાજકોટ ખાતે આવેલ ભારત દેશની સુપ્રસિદ્ધ એવી સેવાકીય સંસ્થા રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે અતિઆધુનિક પદ્ધતિથી મોતિયાના ટાંકા વગરના ઓપરેશન આધુનિક ફેકો મશીનથી કરવા માટે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીઓને ચા-પાણી-નાસ્તો, રહેવા-જમવા અને દવા, ટીપાં, ચશ્માં અને જરૂરી દવા નિઃશુલ્ક આપવામાં આવશે. ત્યારે આ કેમ્પમાં આંખની પીડા હોઈ તેવા દર્દી નારાયણોએ ખૂબ સારી રીતે લાભ લીધો હતો. આ કેમ્પમાં લક્ષ્મીનારાયણ મંદિરના મહંત પૂજ્ય દિપકદાસજી મહારાજ અને પૂજ્ય પ્રભુચરણ મહારાજ તથા વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ દેરાશ્રી અને ભારત સેવક સમાજના શિરીશભાઈ ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પના દાતા તરીકે સ્વ.પ્રમોદભાઈ કેશવજીભાઈ દવે પરિવાર હસ્તે- તપન દવે અને વિરલ દવે અને સ્વ.હરિદાસ રતનદાસ કિલાવત (ઘનશ્યામપુર) પરિવાર હસ્તે કંચનબેન સાધુ અને ગીરીશભાઇ સાધુ રહ્યા હતા. આ કેમ્પમાં દર્દીઓની વિશેષ સંખ્યા થતા રાજકોટ ઓપરેશન માટે લઈ જવા માટે સાંદિપની સ્કૂલના સંચાલક હિતેન ઠક્કરે સહકાર આપ્યો હતો. વૈજનાથ મહાદેવ મંદિરના સંચાલકો પણ સહકાર આપ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા હળવદના તમામ પત્રકાર મિત્રો અને સોશિયલ મીડિયાના મિત્રો અને એનાઉન્સર રાજુભાઇ દવેએ આ કાર્યક્રમની વિગત ખૂબ જ વ્યાપક રીતે પ્રસિદ્ધ કરી હતી. ત્યારે આયોજકો દ્વારા આ કાર્યમાં સહયોગ આપનાર તમામ લોકોનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર અને રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટના ડૉ. કિરીટ આચાર્ય તથા સાથી મિત્રો હળવદના સ્થાનિક સેવાભાવી ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.