નેશનલ હાઇવે ઉપર કાવેરી સિરામિક નજીક શ્રીહરિ કોમ્પ્લેક્સમા બનેલી ઘટના મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર કાવેરી સિરામિક નજીક આવેલ શ્રીહરિ કોમ્પ્લેક્સમાં દુકાન આગળ વાહન અને સામાન રાખવા બાબતે બે પાડોશી દુકાનદારો બાખડી પડયા બાદ મામલો મારામારી સુધી પહોંચતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ નેશનલ હાઇવે ઉપર કાવેરી સિરામિક નજીક આવેલ શ્રીહરિ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા વિરલભાઈ જીતેન્દ્રભાઈ પીઠવાને તેમની બાજુની દુકાનમાં જ ગેરેજ ધરાવતા આરોપી ધનજીભાઈ પરમાર, કિરીટભાઈ ધનજીભાઈ પરમાર, ધ્રુવભાઈ ધનજીભાઈ પરમાર અને અન્ય એક અજાણ્યા ઇસમે દુકાન પાસે સમાન નહિ રાખવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી લાકડાના ધોકા, સળિયા અને હથોડા વડે હુમલો કરી ફરિયાદી અને સાહેદને માર મારી જાનથી મારી નાખવા અંગે ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જ્યારે સમાપક્ષે ધનજીભાઈ ટાભાભાઈ પરમારે આરોપી ટીનાભાઈ લુહાર અને ટીનાભાઈ લુહારના પુત્ર વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે આરોપીની દુકાન તેમની બાજુમાં આવેલ હોય ગેરજના આગળના ભાગે આરોપીએ વાહન રાખેલ હોય જે આઘા રાખવાનું કહેતા આરોપી પિતા પુત્રએ લાકડી પાઇપ વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.