મોરબી : મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર વિસ્તારમાં શેરી ધોબા બાબતે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાડોશમાં રહેતાં સાસુ-સસરા અને વહુએ મહિલાને માર મારતા મહિલાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર વિક્રમવાડી વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે રહેતા અને સાડીનો વેપાર કરતા શારદાબેન ટીકુભાઈ થરેશા (ઉ.વ. ૫૦) ગત તા. ૧૬/૦૩/૨૦૨૬ ના રોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે પાણીથી શેરી ધોતા હતા. આ પાણી તેમના પાડોશીના ઘર પાસે શેરી ઉપર આવતા પાડોશી પુરીબેને બહાર આવીને કહ્યું હતું કે 'શું કામ શેરીમાં પાણી ઢોળો છો?'.જેના જવાબમાં શારદાબેને 'શેરી કોઈના બાપની ન હોય' તેમ કહેતા પુરીબેનને આ વાતનું માઠું લાગતા તેમણે ગાળો બોલી શારદાબેનનો હાથ પકડી લીધો હતો. તે જ વખતે પુરીબેનના પતિ મુળુભાઈએ આવીને શારદાબેનને ડાબા હાથ ઉપર એક ધોકો મારી દીધો હતો. મારથી બચવા શારદાબેન પાડોશીના મકાનમાં ભાગી ગયા હતા, પરંતુ ત્યાં પણ પુરીબેન અને તેમના દીકરા અશોકની પત્ની આવીને ગાળો આપવા લાગ્યા હતા. શારદાબેન બહાર આવતા તેમની સાથે મારામારી કરી હતી અને તેઓ નીચે પડી જતા પુરીબેન તથા તેમના દીકરાની વહુએ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. આ હુમલામાં શારદાબેનને બંને હાથમાં, છાતીમાં અને વાંસાના ભાગે મૂઢ ઈજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે શારદાબેન થરેશાએ પાડોશી મુળુભાઈ, તેમની પત્ની પુરીબેન અને મુળુભાઈના દીકરા અશોકની પત્ની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ હથિયારબંધી જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને આ મામલાની વધુ તપાસ પો. હેડ કોન્સ. એમ.આર.ચૌહાણ ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #CrimeNews #MorbiPolice #