મોરબીમાં વોકળાની યોગ્ય સફાઈ ન થાય તો આ વર્ષે પણ શહેરમાં પાણી ભરાવાની ભીતિ મોરબી : ચોમાસુ માથે તોળાઈ રહ્યું છે. પણ હજુ સુધીમાં મોરબીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના કોઈ ઠેકાણા નથી. ખાસ કરીને વોકળાની સફાઈની હજુ સુધી તસ્દી લેવાય નથી. જોકે દરેક વખતે વોકળાની સફાઈ ન થતી હોવાથી એકાદ-બે ઈંચ વરસાદમાં પણ મોરબીમાં પાણી-પાણી જેવી સ્થિતિ થઈ જાય છે. ગત વર્ષ ભારે વરસાદમાં ગંભીર હાલત થઈ ગઈ હતી. તેથી, આ વખતે પણ સંભવિત ભારે વરસાદમાં ગત વર્ષેની જેમ જળબંબાકર જેવી હાલત થઈ જવાની ભીતિ છે. મોરબીમાં દરેક વખતની જેમ આ વખતે પણ પાલિકા તંત્રએ પિ-મોન્સૂનના અનુસંધાને વોકળાની સફાઈ કરી નથી. જેથી, મોટાભાગના વોકળા ગંદકીથી ખદબદી રહ્યા છે. જોકે દરેક વખતે તંત્ર વોકળાની સફાઈનો એક્શન પ્લાન ઘડે છે પણ આ કામગીરી માત્ર કાગળ ઉપર જ થાય છે તે બાબતની પોલ વરસાદમાં ઉઘાડી પડે છે. જોકે ગત વર્ષે વોકળાની સફાઈ ન થતા આખું શહેર જળમગ્ન થયું હતું. જોકે આ વખતે 15 દિવસ પહેલા વોકળાની સફાઈ કરવા માટે પાલિકા તંત્રએ દરેક વખતની જેમ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. પણ હજુ સુધી આ કામગીરી થઈ નથી. મોટાભાગના વોકળા દબાણગ્રસ્ત છે મોટાભાગના વોકળાઓ દટાઈ ગયા હોય અને કચરાના ગંજથી વરસાદી પાણીનો બિલકુલ નિકાલ થઈ શકે એમ ન હોવાથી ભારે વરસાદમાં શહેરની વિકટ સ્થિતિ બને છે. દર વર્ષે આશરે રૂ. 48 લાખ વોકળાની સફાઈ પાછળ ફાળવવામાં આવે છે. પણ 30 કે 40 ટકા જેવું કામ થતું નથી. વોકળાની ઉપરછલ્લી કામગીરી થાય છે. આથી, દર વર્ષે રૂ.48 લાખનું આંધણ થાય છે. દરમિયાન આજે પ્રિમોન્સુનની કામગીરી માટે ડે. કલેકટર ગંગાસિંહની અધ્યક્ષતામાં મામલતદાર રૂપાપરા, ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ, પ્રમુખ કેતન વિલપરા સાથે પાલિકામાં બેઠક યોજાઈ હતી. જેમાં વોકળાની યોગ્ય રીતે સફાઈ કરવી, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા પુલની નીચેની ઝૂંપટપટ્ટીનું સ્થળાંતર કરવા, આશ્રય સ્થાનો નક્કી કરવા સહિતની ચર્ચા વિચારણા થઈ હતી. જોકે તંત્રએ ટુક સમયમાં વોકળાની સફાઈ કરવાની તૈયારી દર્શાવી છે. પણ ચોમાસા પહેલા આ કામગીરી થશે કે પછી દરેક વખતની જેમ પ્રજાના રૂ.48 લાખ પાણીમાં જશે તે જોવાનું રહ્યું. જયારે આ બાબતે ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટને પૂછતાં એમને જણાવ્યું હતું કે એક-બે દિવસમાં સફાઈ શરૂ કરાશે.