કામગીરી પૂર્ણ છતાં બુરાણ ન થતાં રસ્તાની હાલત બિસ્માર : સ્થાનિકોને ભારે હાલાકીમોરબી : મોરબીના વિસીપરા મેઈન રોડ પર છેલ્લા છ મહિનાથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા હતી. આ સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકા દ્વારા અહીં ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, ગટર લાઈન નાખવાનું કામ પૂર્ણ થયાને દોઢ મહિનો વીતી ગયો હોવા છતાં, રસ્તા પર હજુ સુધી યોગ્ય રીતે બુરાણ કરવામાં આવ્યું નથી. આ અધૂરી કામગીરીને કારણે રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા છે.પાણી ભરાયેલા હોવાથી ખાડા દેખાતા નથી, બસ પલટી ખાતા બચીરસ્તા પર ગંદા પાણી સતત વહેતા હોવાને કારણે વાહનચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી, જેના કારણે દરરોજ એકથી બે વાહનો અહીં ખાડામાં ફસાઈ જાય છે. ગઈકાલે એક બસ પણ આ માર્ગ પરના ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે બસ પલટી ખાતા બચી ગઈ હતી અને મોટી જાનહાનિ ટળી હતી.રસ્તા પર પડેલા પાઈપોથી ટ્રાફિકની સમસ્યામાં વધારોતંત્રની બેદરકારી માત્ર અધૂરા રોડ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગટર લાઈન નાખ્યા બાદ વધેલા પાઈપો પણ રસ્તા પર જ રઝળી રહ્યા છે. આ પાઈપો રસ્તાનો અડધો હિસ્સો રોકી રહ્યા હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉભી થાય છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ પછાત વિસ્તાર હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા અહીંના પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી.લોકોની તંત્ર પાસે સત્વરે નિરાકરણની માંગઆ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ દરરોજ અકસ્માતનો ભય અનુભવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.તંત્રની આળસથી દરરોજ વાહનો ખાડામાં ફસાય છે : સ્થાનિકોનો આક્રોશવિસીપરાના રહીશ અમિતસિંહ પરમારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 'છેલ્લા દોઢ મહિનાથી ખોદકામ કરીને તંત્ર બધું એમ જ મૂકીને જતું રહ્યું છે. ગટર રિપેર કરવાના નામે કોઈ નક્કર કામગીરી થઈ નથી. દરરોજ સરેરાશ બે મોટા વાહનો અહીં ખાડામાં ફસાય છે અને એકાદ વ્યક્તિ ખાડામાં પડી જવાની ઘટના બને છે. સાંજ પડતા જ વિસીપરાના ઢાળથી લઈને મસ્જિદ સુધી ટ્રાફિકની લાંબી કતારો લાગે છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે'.