વરસાદને કારણે ફાઉન્ડેશનમાંથી ઉખડીને માર્ગ પર ઝૂકી પડેલો પોલ વાહન ચાલકો માટે જોખમી બન્યો મોરબી : બાપા સીતારામ ચોંક નજીક સીસીટીવીના કેમેરા માટે ઉભો કરાયેલો એક થાંભલો વરસાદને કારણે જમીન પોચી પડવાને લીધે નમી પડતા અત્યંત જોખમી બન્યો છે. સમગ્ર શહેર પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા તીસરી આંખ એટલે કે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનીટરીંગ મુખ્ય કચેરી દ્વારા થાય છે. જો કે, હાલ બાપા સીતારામ ચોકમાં સીસીટીવી કેમેરા માટે ઉભો કરવામાં આવેલો પોલ જમીનથી ઉખડીને જોખમી સ્થિતિમાં આવી ગયો હોય એ સ્થિતિ મુખ્ય કચેરીમાં કેમ નહીં દેખાતી હોય એવો સવાલ લોકોના મનમાં ઉપસ્થિત થઈ રહ્યો છે. આ ઝૂકી ગયેલા પોલના વાયર કનેક્શન પણ ખેંચાઈ ગયા હોય સ્વાભાવિક રીતે જ કેમેરો હાલ કાર્યરત નહીં હોય. ત્યારે એક સવાલ ઉઠે છે કે ન કરે નારાયણ આ વિસ્તારમાં એવો કોઈ આકસ્મિક બનાવ બને તો આ સીસીટીવી કેમેરો તો શોભના ગાંઠિયા જેવો જ બની રહેશે. કોઈ જાગૃત એવા સ્થાનિક નાગરિક દ્વારા હાલ તો આ કેમેરા પર થેલી લટકાવી દીધી છે જેથી કોઈ વાહન ચાલકને દૂરથી જ ઝૂકી ગયેલા થાંભલાનો અંદાજ આવી શકે અને સંભવિત અકસ્માત ટાળી શકાય. અલબત્ત તંત્રને આ થાંભલો ક્યારે દેખાય છે એ એક વિચારમાં મૂકી દ્યે એવો કોયડો જરૂર છે.