માળીયા પોલીસે અણીચારી ટોલનાકા પાસેથી દારૂ બિયર ભરેલા આઇસરને ઝડપી લઈ કુલ રૂ. 28.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : માળીયા પોલીસને ઈંગ્લીશ દારૂના મોટાપાયે જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. જેમાં માળીયા પોલીસે આજે બાતમીના આધારે અજર અણીચારી ટોલનાકા પાસેથી રૂ.18.06 લાખના દારૂ બિયર ભરેલા આઇસરને ઝડપી લીધું હતું. પોલીસે દારૂ બિયર મળીને કુલ રૂ. 28.12 લાખનો મુદામાલ કબ્જે કરીને બે શખ્સોને ઝડપી લીધા હતા. આ દારૂની હેરાફેરીમાં મુખ્ય સુત્રધારનું નામ ખુલ્યું છે. આ બનાવની માળીયા મિયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા પીએસઆઈ વાણીયાની સુચનાને પગલે માળીયા પોલીસ સ્ટાફ ગતરાત્રે નાઈટ પેટ્રોલીગ કરી રહ્યો હતો. તે સમયે માળીયા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈ સવાભાઈ મંઢને ચોક્કસ બાતમી મળી હતી કે માળીયા નજીક અણીયારી ટોલનાકના પાસેથી એક મસમોટા ઈંગ્લીશ દારૂ અને બિયર ભરેલો આઇસર ટ્રક પસાર થવાનો છે. તેવી બાતમી મળતા જ માળીયા પોલીસ સ્ટાફ અણીયારી ટોલનાકના પાસે વોચમાં ગોઠવાયો હતો. તે સમયે ધ્રાગધ્રાથી માળીયા તરફ ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નીકળેલા એચ.આર.46 ટી 9033 નબરનો આઇસર ટ્રકને પોલીસે અટકાવીને તલાશી લેતા તેમાંથી મળી આવેલ જુદી જુદી ઈંગ્લીશ દારૂની બ્રાન્ડની બોટલ નંગ 3312 કિંમત રૂ.10.68 તથા વહીસ્કી દારૂની 180 બોટલ કિંમત રૂ.4.56 અને બિયરના ટીન નંગ 2832 મળીને રૂ.18.07 લાખના ઈંગ્લીશ દારૂ બિયર તેમજ આઇસર ટ્રક, બે મોબાઈલ મળીને કુલ રૂ.28.12 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ જગદીશભાઈ શ્રીમહેન્દ્રસિંગ કૃતિજ અને સંતોષ શ્રીપાલસિંગ રાજપૂતને ઝડપી લીધા હતા. આ દારૂની હેરાફરીમાં કુલિન્દર દહીંયાં ઉર્ફે સતીષનું નામ ખુલતાં માળીયા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.