પોલીસે ગતરાત્રે કારનો પીછો કરતા આરોપી કારને રેઢી મૂકીને ફરાર થઈ ગયો માળીયા (મી.) : માળીયા પોલીસે ગતરાત્રે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન માળીયા ત્રણ રસ્તા પાસે એક કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર હંકારી મૂક્યા બાદ પોલીસે તેનો પીછો.કર્યો હતો. પણ કારચાલક અંધારાનો લાભ લઈને કારને રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે રૂ. 1.29 લાખનો ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. આ બનાવની માળીયા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા પોલીસ સ્ટાફ ગતરાત્રે પ્રોહીબિશન અને જુગારની ડ્રાઈવને લઈને ખાનગી વાહનમાં માળીયા ત્રણ રસ્તા પાસે નાઈટ પેટ્રોલીગ કરી રહ્યો હતો. તે દરમિયાન જીજે-10-સીજી-4838 નંબરની કાર શંકાસ્પદ હાલતમાં નીકળતાં પોલીસે આ કારને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ કારચાલકે પોલીસને જોઈને માળીયા જામનગર રોડ તરફ કાર હંકારી મૂકી હતી. આથી, પોલીસ સ્ટાફે આ કારનો પીછો કર્યો હતો. આથી, કારચાલક અંધારાનો લાભ લઈને કાર ત્યાં જ રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાશી લેતા કારમાંથી 324 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. જેથી, પોલીસે રૂ. 1,29,600 ની કિંમતનો ઈંગ્લીશ દારૂ તથા કાર મળી રૂ. 6,29,600 નો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.