છ આરોપીઓએ વાંકડા ગામના ઇકો ચાલકને આંતરી છરીના ઘા ઝીક્યાંમોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામથી સમલી જતા રોડ ઉપર કાકા સાથે થયેલા અગાઉના ઝઘડાનો ખાર રાખી ઇકો કાર આડે બોલેરો ગાડી નાખી છ શખ્સોએ ઇકો ચાલક યુવાનને કાચ તોડી બહાર કાઢી છરી અને તલવાર સહિતના હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના વાંકડા ગામે રહેતા અને ઇકો કાર ચલાવી ગુજરાન ચલાવતા ફરિયાદી ભરતભાઇ પોપટભાઇ રાતડીયા ઉ.૨૭ નામના યુવાને આરોપી (૧) પંકજભાઇ ગોકળભાઇ બાંભવા (૨) વિનોદભાઇ ગોકળભાઇ બાંભવા (૩) પ્રવિણભાઇ ભોજાભાઇ બાંભવા (૪) રાજેશ ગોકળભાઇ બાંભવા (૫) ગટુ મારવાડી અને (૬) ગોકળભાઇ ખોડાભાઇ બાંભવા, રહે-બધા આદરણા તા-જી-મોરબી નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ ભરતના કાકાને આરોપીઓ સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી બોલેરો ગાડી રોડની વચ્ચે ઉભી રાખી દઈ બાદમાં ઇકો ગાડીના કાચ તોડી દરવાજો ખોલી તેમને નીચે ઉતારી આરોપીઓએ છરી અને તલવાર વડે ઇજા પહોંચાડી હતી. આ હુમલા બાદ ભરતભાઈ ભાગવા જતા સામેથી બે આરોપીઓ બાઈક લઈને આવ્યા હતા અને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા ભરતભાઈએ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.