યુવકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટમાં ખસેડાયો મોરબી : મોરબી જિલ્લામાં ફરી ગુનાખોરીએ માથુ ઊંચકી લીધું છે. જિલ્લામાં અલગ-અલગ સ્થળે ચોરી અને લૂંટના બનાવ સામે આવી રહ્યા છે. ટંકારામાં પેટ્રોલ પમ્પના માલિકને માર મારી રોકડ રકમ અને કાર લૂંટની ઘટનામાં આરોપીઓ પકડાય તે પહેલાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. વાંકાનેરનાં માટેલ નજીક આવેલા એક સીરામીક ફેકટરીમાં મજુરી કામ કરતો રાજારામ મુન્નાલાલ પુશવાદ નામનો 21 વર્ષનો શ્રમિક યુવક તેનું બાઈક લઈ સરતાનપર રોડ પર પેન્ગવિન સિરામિક પાસે બાઈક લઈને જતો. તે દરમિયાન ત્રણ જેટલા શખ્સ ધસી આવ્યા હતા અને યુવકને માર મારી મોબાઇલની લૂંટ ચલાવી હતી. ત્રણેય શખ્સોએ યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. અને નાકમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ યુવકને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી તાલુકા પોલીસ મથક દ્વારા પોતાનાં હદ વિસ્તારનૉ બનાવ ન હોવાનું જણાવી જવાબદારી અંગે એક બીજા પર ખો આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.