બાળકની ઉમર 5થી 6 દિવસની હોવાનું અનુમાન : કોઈએ મોઢે ડૂચો અને માથે મીઠું છાંટીને જમીનમાં ખાડો ખોદીને ડાટી દીધુ, એક શ્રમિકને બાળકનો અવાજ સંભળાતા ધૂળ હટાવતા બાળક હેમખેમ મળ્યુંમોરબી : રામ રાખે તેને કોણ ચાખે... આ કહેવત મોરબી નજીક આજે સાંજના સમયે બનેલા એક બનાવમાં સાચી ઠરી છે. કોઈએ 5થી 6 દિવસના બાળકને જમીનમાં દાટી દીધું હતું પણ લોકોને રડવાનો અવાજ આવતા તેને બહાર કઢાતા બાળક હેમખેમ જોવા મળ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર નવાગામ - અદેપર રોડ ઉપર લક્ષદ્રીપ કારખાના પાસે રોડની બાજુમાં કોઈએ આજે સાંજના અરસામાં 5થી 6 દિવસના બાળકને ખાડો ખોદી દાટી દીધું હતું. આ બાળકને મોઢે ડૂચો દેવાયો હતો ઉપરાંત મીઠું પણ છાંટવામાં આવ્યું હતું. જો કે આ બાળકને દાટવામાં આવ્યાના થોડી જ વાર બાદ ત્યાંથી એક શ્રમિક નીકળતા તેને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. જેથી શ્રમિકે અને આસપાસ ભેગા થયેલા લોકોએ ધૂળ હટાવતા જ બાળક હેમખેમ મળી આવ્યું હતું. હાલ આ બાળકને 108 એમ્બ્યુલન્સને બોલાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. તેવું જાણવા મળ્યું છે.