ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતો યુવાન તેના મિત્ર સાથે કચ્છ જઇ રહ્યો હતો તે વેળાએ કાળ ભેટ્યો મોરબી : મોરબીના હજનાળી ગામ પાસે આજે એક બાઇક ટ્રક સાથે અથડાતા યુવાનનું મોત નીપજ્યું હતું. ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતો આ યુવાન તેના મિત્ર સાથે કચ્છ જઇ રહ્યો હતો તે વેળાએ કાળ ભેટતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના હજનાળી અને ખારચિયા ગામ વચ્ચે બાઇક આડે પથ્થર આવતા બાઇકનો કાબુ ગમાવી દેતા ટ્રક સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં દિલીપભાઈ જેશાભાઈ ગોજીયા ઉ.વ. 26 રહે. ગાયત્રીનગર, એરપોર્ટ રોડ, જામનગરનું મોત નીપજ્યું હતું. જ્યારે મોહિલ ભગવનભાઈ રામ ઉ.વ.20 રહે. કાંટાળા તા. કોડીનારને ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસના જમાદાર જે.બી. ઝાલાએ જણાવ્યું હતું કે બન્ને બાઈકસવાર કચ્છમાં નોકરી કરતા હતા. રજા બાદ તેઓ પરત કચ્છ જઇ રહ્યા હતા. મૃતક દિલીપભાઈ ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતા હતા. જ્યારે મોહિલ જીઇબીના કોન્ટ્રાકટમા નોકરી કરતો હતો. હાલ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.