મોરબી: શહેરના સામા કાંઠા વિસ્તારમાં નજરબાગ પાસે રાજસ્થાન પાસિંગના ટ્રક ચાલકે પગપાળા જઈ રહેલા આધેડ રાહદારીને હડફેટે લેતા ટ્રકના તોતિંગ વ્હિલ હેઠળ ચગદાઈને આધેડ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ટ્રક રેઢો મૂકી ફરાર થઈ જતા બી. ડીવી પોલીસે ટ્રક કબ્જે લઈ ડ્રાઈવરની શોધખોળ આદરી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નજરબાગ નજીક ગઈકાલે ગુરુવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ 53 વર્ષીય રમેશભાઈ ધનજી ભાઈ રાઠોડ (રહે. 100 ઓરડી વિસ્તાર, ચામુંડા નગર) પગપાળા જઈ રહ્યા હતા ત્યારે RJ 52 GA- 0858 નંબરના ટ્રક ડ્રાઈવરે બેફિકરાઈથી ટ્રક ચલાવી આધેડને હડફેટે લેતા તેના માથા પરથી ટ્રકનું તોતિંગ વ્હિલ ફરી વળ્યું હતું અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડ્રાઈવર ટ્રક રેઢો મૂકી નાસી છૂટ્યો હતો. બનાવની ફરિયાદ જીતેન્દ્ર ધનજીભાઈ રાઠોડે બી ડીવી.માં કરતા પીએસઆઇ વાઢીયાએ નાસી છૂટેલા ડ્રાઈવરને ટ્રક નંબરને આધારે શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે.