(જાગૃતિ તન્ના) મોરબી : આપણા ભારત દેશમાં વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે: 1) ચૈત્ર (વસંત) નવરાત્રી, 2) અષાઢ (ગુપ્ત) નવરાત્રી, 3) આસો (શરદ) નવરાત્રી અને 4) પોષ નવરાત્રી. જેમાં આસો નવરાત્રીને સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે એમ થાય કે એવું કેમ? તો ચાલો જાણીએ આસો નવરાત્રી ઉજવવા પાછળનું પુરાણોમાં રહેલું કારણ. દેવી ભાગવત પુરાણના પાંચમાં સ્કંધમાં ઉલ્લેખ મુજબ રંભ નામનો એક અસુરોનો રાજા જેને એક ભેંસ સાથે પ્રેમ થઈ ગયો અને તેની સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર અવતર્યો. સંસ્કૃતમાં ભેંસ એટલે 'મહિષ'. આમ, મહિષ અને અસુર શબ્દો સાથે મળીને નામ પડ્યું મહિષાસુર. આ મહિષાસુર બ્રહ્માજીનો પરમ ભક્ત. તે ખૂબ જ શક્તિશાળી થવા માગતો હતો. માટે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે દસ હજાર વર્ષ સુધી આકરું તપ કર્યું. પરિણામ સ્વરૂપ બ્રહ્માજી તેના તપથી પ્રસન્ન થયા અને તેને દર્શન આપીને વરદાન માગવા કહ્યું. ત્યારે મહિષાસુરે કોઈપણ માનવ, દાનવ, ઋષિ કે દેવતા તેને મારી ન શકે તેવું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું અને કહ્યું કે તારું મૃત્યુ ફક્ત કોઈ સ્ત્રીના હાથે જ થશે. ત્યારે અભિમાનમાં મદમસ્ત બનેલા મહિષાસુરે આ વરદાન એમ વિચારીને સ્વીકારી લીધું કે, કોઈ માનવ, દાનવ, ઋષિ કે દેવતા મને મારી શકવાના નથી તો કોઈ સ્ત્રી મને શું મારી શકશે? વરદાન મેળવ્યા બાદ મહિષાસુરનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. તેણે આખી પૃથ્વી જીતી લીધી હતી. સર્વત્ર હાહાકાર વર્તાઈ રહ્યો. પૃથ્વી બાદ મહિષાસુરે સ્વર્ગ જીતવાનો નિર્ણય કર્યો અને તેણે પોતાની આખી અસુર સેનાને એકત્રિત કરીને દેવરાજ ઈન્દ્ર સામે યુદ્ધ જાહેર કર્યું. ઈન્દ્ર દેવે ત્રિદેવની સહાયતાથી મહિષાસુર સામે યુદ્ધ કર્યું, પરંતુ મહિષાસુરને મળેલ વરદાનને કારણે દેવો યુદ્ધમાં પરાજિત થયા અને મહિષાસુરે સ્વર્ગનું રાજ્ય જીતી લીધું. મહિષાસુરના ત્રાસમાંથી છૂટકારો મેળવવા માટે ત્રિદેવ સહિત બધા દેવો એકત્રિત થયા અને નિર્ણય કર્યો કે જો આદ્યશક્તિનો ઉદ્દભવ થાય તો જ મહિષાસુરનો નાશ થઈ શકે. આમ, ત્રિદેવના શરીરમાંથી દિવ્ય તેજપુંજ ઉત્પન્ન થયા તેમજ ત્યાં ઉપસ્થિત ઈન્દ્ર, વરુણ, સૂર્ય, ચંદ્ર, યમ બધા દેવોના શરીરમાંથી પણ દિવ્ય તેજ ઉત્પન્ન થયું અને આખરે આ તેજપુંજમાંથી એક અલૌકિક સ્ત્રીસ્વરૂપ આકાર પામ્યું અને આ સ્ત્રી સ્વરૂપ એટલે જ મા દુર્ગા, મા આદ્યશક્તિ જેઓ અનેક નામોથી ઓળખાય છે. મા દુર્ગાની ઉત્પતિ ઘણા બધા દેવોમાંથી થઈ હતી એટલે શક્તિનો કોઈ પાર નહોતો મા દુર્ગામાં. મા દુર્ગાનું રૂપ અવર્ણનીય અને અનુપમ હતું. ત્યારબાદ ત્રિદેવ સહિત અન્ય બધા દેવતાઓ એ સાથે મળીને દેવીને પોત પોતાના અસ્ત્રો, શસ્ત્રો, ઊર્જા, તાકાત પણ દેવીને આપ્યા, ને પરિણામે સિંહ પર અસવાર મા દુર્ગાનું સંપૂર્ણ સ્વરૂપ તૈયાર થયું, જે હવે યુદ્ધ કરવા માટે સક્ષમ હતું. માટે બધા દેવતાઓ એ મા દુર્ગાની સ્તુતિ કરી, મા દુર્ગા પ્રસન્ન થયા અને હું મહિષાસુરનો વધ અવશ્ય કરીશ એમ કહીને એક મહાભયાનક જોરદાર ત્રાડ પાડી અને મહિષાસુરને પડકાર્યો. ત્રાડ સાંભળતા મહિષાસુરે દૂતોને ખબર જાણવા રવાના કર્યા. દૂતોએ આવીને દેવીના અનુપમ સ્વરૂપનું વર્ણન કર્યું. ત્યારે દેવીની પ્રશંસા સાંભળીને તેણે દૂતો સાથે દેવીને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો, પણ દેવીએ પ્રસ્તાવ ઠુકરાવી દીધો, તો તેણે ફરી માનીતા મંત્રી તામ્ર સાથે પ્રસ્તાવ મોકલ્યો, પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળી. દેવી દુર્ગાએ મંત્રી સાથે યુદ્ધના કહેણ મોકલ્યા. માટે મહિષાસુરે મંત્રી તામ્ર સાથે મોટી અસુર સેના મોકલી, પરંતુ દેવીએ તમામને પરાજિત કર્યા. માટે મહિષાસુર ક્રોધે ભરાયો ને રણભૂમિમાં આવ્યો, આવતાની સાથે જ દેવીનું અલૌકિક રૂપ જોઈને તેણે ફરી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મહિષાસુરનો પ્રસ્તાવ સાંભળી દેવીએ ક્રોધિત થઈને કહ્યું, હું તારો વધ કરવા આવી છું માટે યુદ્ધ કર. દેવીના શબ્દો સાંભળી રોષે ભરાયેલ મહિષાસુર યુદ્ધ કરવા તૈયાર થયો અને પછી તો આ મહાસંગ્રામ નવ દિવસ અને નવ રાત સુધી ચાલ્યો ને અંતે દસમા દિવસે દેવી દુર્ગાએ પોતાની પાસે રહેલા ચક્રથી મહિષાસુરના અડધા પુરુષના અને અડધા મહિષના સ્વરૂપમાં જ તેનો સંહાર કર્યો. આમ, અસત્ય પર સત્યનો વિજય થયો. આકાશમાંથી પુષ્પવર્ષા થાય છે ને ચોતરફ દેવી દુર્ગાનો જય જયકાર થાય છે. આમ, નવદિવસ યુદ્ધ ચાલ્યું, એ નવ દિવસ આપણે નવરાત્રી તરીકે ઉજવીએ છીએ અને દસમા દિવસે આસુરી તત્વનો નાશ એ થયો માટે વિજ્યાદસમી ઉજવીએ છીએ. આમ, નવરાત્રી એ સ્ત્રી શક્તિના મહત્વને ઉજાગર કરતું પર્વ છે, દેવીની ઉત્પતિ પ્રકાશપુંજ માંથી થઈ હતી. માટે આપણે પહેલા નોરતે ગરબામાં માતાજીના પ્રકાશપુંજ સમો દિવો પ્રગટાવીએ છીએ અને નવ દિવસ સુધી માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરીએ છીએ ને નવ પ્રકારની શક્તિ બુદ્ધિ, શ્રદ્ધા, ક્ષમા, ભક્તિ, સંગઠન, સંયમ, સંરક્ષણ, સામર્થ્ય, સહનશક્તિ વગેરે પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરીએ છીએ અને દસમા દિવસે આપણી અંદર રહેલ કામ, ક્રોધ, મોહ, લોભ જેવા આસુરી તત્વોનો નાશ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.