વે-બ્રિજનો ભાવ વધારો, પ્રાથમિક સુવિધાઓનો અભાવ સહિતના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા એસોસિએશન લડત શરૂ કરશેમાળિયા (મિયાણા) : ગઈકાલે 12 જાન્યુઆરીના રોજ નવલખી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ટ્રક માલિકો તથા ડ્રાઇવરોની માગને ધ્યાનમાં લઈને વે-બ્રિજના ભાવમાં ઘટાડો કરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા અંગે મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને 13 જાન્યુઆરીએ 4 વાગ્યા સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. જો કે આ અંગે કોઈ નિરાકરણ ન આવતા નવલખી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજે 13 જાન્યુઆરીને 4 વાગ્યે પીપળીયા ચાર રસ્તે ચક્કાજામ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે, નવલખી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ગઈકાલે કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, નવલખી પોર્ટ ખાતે ટ્રક માલિકો તથા ડ્રાઇવરોને અવારનવાર અનેક મુશ્કેલીઓ સર્જાય છે. તેમજ પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વે-બ્રિજના ભાવ દર 150 થી 200 રૂપિયા રાખવામાં આવે, નવલખી પોર્ટ પર એમ્બ્યુલન્સ સુવિધા આપવામાં આવે, પ્રાથમિક સારવાર ચાલુ કરવામાં આવે, ડ્રાઇવર માટે પીવાના પાણી તથા કેન્ટીનની સુવિધા આપવામાં આવે, અંદર તથા બહાર રોડ રસ્તાના ખાડા રીપેર કરવામાં આવે, નવલખીમાં કુલ ચાર વે-બ્રિજ છે તે ચારેય વે-બ્રિજ ચાલુ કરવામાં આવે, વે-બ્રિજમાં નુકસાન થાય ત્યારે ટ્રક ડ્રાઇવર ઉપર ગુનો દાખલ કરે છે, ગેટ ઉપર સવારે 6 વાગ્યા પહેલા એન્ટ્રી કરવામાં આવે તો ટ્રાફિકની ફરિયાદ પણ ન રહે, બ્રિજના ઢાળિયાની ઊંચાઈ વધુ હોવાથી ટ્રકને નુકસાન થાય છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત નવલખી પોર્ટના ગેટની બહારના એક કિલોમીટર સુધી રોડની યોગ્ય સુવિધા આપવામાં આવે તેવી પણ કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.