મોરબી : 15 સપ્ટેમ્બરના રોજ શ્રી કિશનચંદ ટેકચંદ પરિવાર, ખેડબ્રહ્માના સૌજન્યથી શ્રી પ્રકૃતિ મિત્ર ગ્રુપ-ગુજરાત અને રિહેન એચ. મહેતા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી તીર્થ, અંબાજી ખાતે 185 જેટલા પ્રકૃતિ મિત્રોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીના પ્રકૃત્તિ પ્રેમી શૈલેષભાઈ કાલરિયાને પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તેમજ ગુજરાત રાજ્ય એવોર્ડ ટિચર્સ ફેડરેશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, તથા સુરેશભાઈ પટેલ અને જશુભાઈ ચૌધરી તેમજ બોર્ડ મેમ્બર જશુભાઈ રાવલ તથા કે.ટી. પરિવારના અશોકભાઈ ચાવલા, વિજયભાઈ ચાવલા, રાજાભાઈ ચાવલા તથા મુંબઈથી ડો.સંદીપ સિંહ તેમજ પંચમહાલથી ધર્મેન્દ્રભાઈ કનોજીયા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 18 જિલ્લાના કુલ 185 જેટલા પ્રકૃતિ મિત્રોને પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના શૈલેષભાઈ કાલરિયાને પ્રકૃતિ માટે શાળાઓમાં બાળકોને પ્રેરણા અને જાગૃતિ તથા વૃક્ષારોપણ માટે ગુજરાતનો પ્રકૃતિમિત્ર એવોર્ડ એનાયત થયો હતો. તેઓ આજથી આ પ્રકૃતિમિત્ર ગૃપ સાથે જોડાઈને પ્રકૃતિની સેવા માટે કટિબદ્ધ થયા છે. કાર્યક્રમની શરૂઆતમાં રિહેન એચ. મહેતા વિદ્યાલયના બાળકોએ મહેમાનોનું સ્વાગત પારંપરિક આદિવાસી લોક નૃત્ય દ્વારા સ્વાગત કર્યું હતું. મહાનુભાવોના પ્રકૃતિના સંવર્ધન અંગેના પ્રેરક વકતવ્યો રહ્યા. ત્યારબાદ મહેમાનોના હસ્તે સમગ્ર ગુજરાત રાજ્યના કુલ 185 જેટલા પર્યાવરણ પ્રેમી મિત્રોને પ્રકૃતિ મિત્ર એવોર્ડની સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતી ભેટ સ્વરૂપે બીજકીટ, પુસ્તિકાઓ, ચકલીના માળા, સમૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે સમગ્ર કાર્યક્રમ માટે આર્થિક સહયોગ કરનાર કિશનચંદ પરિવાર ખેડબ્રહ્માનો પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતના કન્વીનર ડો. રાકેશ કે પ્રજાપતિએ હૃદય પૂર્વક આભાર માન્યો હતો. અંતે આગામી આયોજન અને આભારવિધિ થઈ હતી.