મોરબી : મોરબીના આંગણે પ્રકૃતિદૂત દૂધરાજનાં પ્રત્યક્ષ દર્શન થયા છે. પક્ષીવિદ જીતુભાઈ ઠક્કરે દૂધરાજ પક્ષીની તસવીર પર ખેંચી છે. લેખક ધ્રુવ ભટ્ટના પુસ્તક સમુદ્રાંતિકેના એક યાદગાર પાત્ર નૂરભાઈને યાદ કરીએ, જે કહે છે 'જીંદગાની પૂગે ન્યા લગણમાં જો દુધરાજ ભાળી લઈ તો તો અલ્લાની કુદરત થઈ જાય, મારા વાલા, જોજો ને. એક પરિન્દુ ઉડે ને આખો મલક જીવતો થઈ જાય, ઇ કાંય ઓછો જાદુ છે?’’ આવા દૂધરાજનાં દર્શન આજે મોરબીના આંગણે પક્ષીવિદ અને મયુર નેચર ક્લબના સભ્ય એવા જીતુભાઈ ઠક્કર ( ગીતા સ્ટુડિયો વાળા )એ પોતાના સવારના પ્રકૃતિ પરિભ્રમણ દરમ્યાન મોરબી સામા કાંઠે એલ.ઈ. કોલેજ નજીક કર્યા અને તેમણે પોતાના કેમેરામાં દૂધરાજને ક્લિક કર્યું. માનવ વસાહતથી દૂર રહેતું અને અલભ્ય કહેવાય એવું આ પક્ષી મોરબીમાં દેખાતા પક્ષીવિદો અને લોકોમાં કુતુહલતા જોવા મળી રહી છે. મહત્વનું છે કે, દૂધરાજ સૌરાષ્ટ્રમાં ‘તરવરિયો' નામથી જાણીતું અને દૂધ જેવા જ સફેદ રંગનું આ પક્ષી એની પૂંછ અને કલગીને કારણે રમ્ય સૌંદર્યનું પ્રતીક ગણાય છે. હિંદીમાં તેને મછરની, શાહ બુલબુલ, હુસૈની કે બુલબુલ કે સુલતાના બુલબુલ એવાં વિવિધ નામે ઓળખવામાં આવે છે. હંમેશા ખુશ મિજાજમાં ફરતું આ ચંચળ પક્ષી લગભગ સંપૂર્ણ ભારતમાં મોટાભાગે જંગલોમાં જોવા મળે છે. સામાન્ય રીતે પક્ષીની બે ઓળખ હોય છે નિવાસી અથવા પ્રવાસી પરંતુ દૂધરાજ ન તો નિવાસી પક્ષી છે અને ન તો પ્રવાસી. તે સ્થાયી પક્ષીની રીતે કોઈ એક જગ્યાએ એકાદ વર્ષ રહે છે અને નાના-નાના પ્રવાસો કરે છે. તો ક્યારેક પ્રવાસી પક્ષીની જેમ લાંબા લાંબા પ્રવાસ કરે છે. આ એક માત્ર એવુ પંખી જેની પૂંછડી તેના શરીર કરતા બે ગણી કે તેથી વધુ લાંબી હોય છે. ધીમે ધીમે દુર્લભ થઈ રહેલ આ પક્ષીનાં રૂપરંગની વાત કરીએ તો માદા કથ્થઈ રંગની ટૂંકી પૂંછ ધરાવે છે. જ્યારે નર સફેદ તથા કથ્થઈ એમ બે પ્રકારના કલર અને લાંબી પૂછ ધરાવે છે. જેની લંબાઈ 40 સેમી સુધી હોય છે. દૂધરાજ પક્ષી ઉડતું હોય ત્યારે તેની પૂછ હવામાં ધજા પતાકાની જેમ લહેરાય છે જે નજારો ખરેખર અદભુત હોય છે. દૂધરાજ પક્ષી ગાઢ જંગલોના જળસ્ત્રાવ વિસ્તારમાં ઉડતા કીટકોને પકડતા જોવા મળે છે. જેથી તેને ફ્લાય કેચર પણ કહેવામાં આવે છે. એકંદરે એની ચંચળતાને લઈને ખુબ જ પ્રતિક્ષા પછી ભાગ્યે જ એને તસ્વીરમાં કેદ કરી શકાય છે ત્યારે મોરબીના તસ્વીરકાર જીતુભાઈ ઠક્કર (મો.92285 83743) એ પક્ષીની તસવીર ક્લિક કરી છે.