ભારતીય ડાક કર્મચારી મહાસંઘ ગુજરાત સર્કલ દ્વારા આંદોલનની જાહેરાત: કાળા બેજ લગાવી વિરોધ પ્રદર્શન કરાશેમોરબી: ભારતીય પોસ્ટલ એમ્પ્લોઈઝ ફેડરેશન (BPEF) અને ભારતીય ડાક કર્મચારી મહાસંઘ ગુજરાત સર્કલ દ્વારા પોસ્ટ વિભાગમાં વધી રહેલા કર્મચારી વિરોધી નિર્ણયો, ટાર્ગેટ આધારિત દબાણ તેમજ ખાનગીકરણને પ્રોત્સાહન આપતી નીતિઓ સામે મોરબી સહિત રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારી સંગઠનોનો આક્ષેપ છે કે હાલમાં વિવિધ યોજનાઓના ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કર્મચારીઓ પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે અનેક સ્થળોએ કર્મચારીઓ પોતાના જ નાણાં ખર્ચીને ખાતાં ખોલાવવા મજબૂર બન્યા છે. આ સ્થિતિ કર્મચારીઓના સ્વાભિમાન અને સેવા શરતો બંને માટે નુકસાનકારક હોવાથી આ લડત શરૂ કરવામાં આવી છે.આંદોલનની રુપરેખા:• 20 થી 27 જુલાઈ, 2026: તમામ કર્મચારીઓ કાળા બેજ ધારણ કરીને ફરજ બજાવશે.• 28 જુલાઈ, 2026: બપોરના વિરામ દરમિયાન તમામ વિભાગીય કચેરીઓ સમક્ષ વિરોધ પ્રદર્શન યોજાશે.• 5 ઓગસ્ટ, 2026: એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવામાં આવશે.• 18 ઓગસ્ટ, 2026થી: માગણીઓનો ઉકેલ નહીં આવે તો અનિશ્ચિતકાલીન હડતાળ શરૂ કરવામાં આવશે.કર્મચારીઓની મુખ્ય 10 માંગણીઓ: 1. ટાર્ગેટના નામે પોસ્ટલ અને GDS કર્મચારીઓ પર થતું શોષણ તાત્કાલિક બંધ કરવામાં આવે. 2. રેલ ડાક સેવા (RMS) અને મેલ હેન્ડલિંગની જૂની વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવામાં આવે તથા ખાનગીકરણ તરફ દોરી જતી નીતિઓ પાછી ખેંચવામાં આવે. 3. પોસ્ટ વિભાગ, RMS, MMS અને સિવિલ વિંગની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે. 4. વિભાગમાં વધતા ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. 5. પોસ્ટલ એકાઉન્ટ્સના વિકેન્દ્રીકરણ અને PACO/PAROના વિલય જેવી કર્મચારી વિરોધી પ્રક્રિયાઓ બંધ કરી MMS, RMS, પોસ્ટલ એકાઉન્ટ્સ અને PACO/PARO નું કેડર રીસ્ટ્રક્ચર કરવામાં આવે. 6. ભૂતપૂર્વ સૈનિક કર્મચારીઓની વેતન વિસંગતતાઓ દૂર કરવામાં આવે. 7. મૃતક આશ્રિતોના કેસોનો તાત્કાલિક નિકાલ કરી યોગ્ય નિમણૂક આપવામાં આવે. 8. NDC સિસ્ટમ રદ કરી જૂની અને વ્યવહારુ ડિલિવરી સિસ્ટમ પુનઃ અમલમાં મૂકવામાં આવે. 9. 17 સપ્ટેમ્બરને (ભગવાન વિશ્વકર્મા જયંતિ) રાષ્ટ્રીય શ્રમ દિવસ જાહેર કરવામાં આવે. 10. ગુજરાત સર્કલની લાંબા સમય થી પડતર માંગણીઓનું નિવારણ કરવામાં આવે.#PostalStrike #PostOfficeProtest #BPEF #NationwideAgitation #GujaratPostal #MorbiUpdate