મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી : શ્રેષ્ઠ કામગીરી કરનાર બીએલઓનું સન્માન “મતદાનથી વિશેષ કંઈ નહીં, અમે અવશ્ય મતદાન કરીશું.” ના મત સાથે એલ.ઈ. કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો મોરબી : મોરબીની એલ.ઈ. કોલેજ ખાતે ૨૫ જાન્યુઆરી મતદાર દિન અન્વયે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતાદિનની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે મતદારયાદી સંબંધિત શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓને અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડએ જણાવ્યું હતું કે, આજના દિવસને ઉજવવાનો મુખ્ય હેતુ મતદાનમાં આજના યુવાનોની હિસ્સેદારી વધારવાની છે. જનતાને લોકશાહીનું હાર્દ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, કોના હાથમાં દેશનું સુકાન આપવું એ અંગેના નિર્ણય લેવાની સતા લોકોના હાથમાં છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી કાર્ડ માટે અરજી આપવી હવે વધારે સરળ બની ગઈ છે. તમે Voter Helpline app અથવા www.nvsp.in પર જઈને ચૂંટણી કાર્ડ મેળવવા તથા નામ ઉમેરવા અંગેની અરજી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મોરબી પ્રાંત અધિકારી ડી. એ. ઝાલાએ જણાવ્યું હતું કે, આપણે સૌએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા વળગી રહેવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, ૧૯૫૧ થી શરૂ થયેલ આ ચૂંટણીને કારણે આજે આપણે પ્રજાસતાક તરીકે સાચી લોકશાહી માણી શકીએ છીએ. સાર્થક વિદ્યાલયની વિદ્યાર્થીની પલક પીપળીયાએ “ લોકશાહીનું બળ જનતા” વિશે અભૂતપૂર્વ વ્યાખ્યાન આપ્યું હતું અને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા “મતદાન મારો હક” નાટક પ્રસ્તુત કરાયું હતું. આ તકે મતદારયાદી કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરી પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા અને ચૂંટણી ફરજ દરમિયાન અવસાન પામેલ સ્વ. હિરલબેન કે. ચાવડાના વારસદાર એવા એના પતિ અશોકભાઇ કાનજીભાઇ મિયાત્રાને ખાસ કિસ્સામાં ચુંટણી પંચ દ્વારા મંજુર થયેલ સહાય રૂ. ૩૦,૦૦,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો. ઉપરાંત સર્વે ઉપસ્થિતોએ ‘હું જરૂર મત આપીશ’ એ માટે શપથ પણ લીધા હતા. સમગ્ર વર્ષ દરમિયાન BLO તરીકે શ્રેષ્ઠ કામગીરીમાં ૬૫ - મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે આર.આર.બળાઈનું, ૬૬ - ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે આર.બી.ઢેઢીનું અને ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે એન.એમ.પરાસરાનું સન્માન કરવામાં આવ્યું હતું. ૬૫ - મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે એ.આર.દલસાણિયાનું, ૬૬ - ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે એ.બી.પુજારા અને ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે એન.એમ.પરાસરાનું આર.એચ જાડેજાનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ સુપરવાઈઝર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા કલ્બ(ELC) તરીકે, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ચુનાવ પાઠશાળામાં ૬૫ - મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે રત્નમણિ પ્રાથમિક શાળા, મોટી બરાર, તા.માળિયાનું, ૬૬ - ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે મોટી ચણોલ પ્રાથમિક શાળાનું તથા ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે તાલુકા શાળા નં.૨, વાંકાનેરનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મોરબી પ્રાંત અધિકારી ડી. એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ. એચ. સેરશિયા, જિલ્લા પુરવઠા અધિકારી ડી.સી. પરમાર અને એલ. ઇ. કોલેજના પ્રિન્સિપાલ સુથાર વગેરે સહિત જિલ્લાના અધિકારીઓ/કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વોટર ફોર ડેમોક્રેસી મોરબીની એલ.ઈ.કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે મતદાન જાગૃતિ બાબતે રંગોળી બનાવવામાં આવી હતી. મતદારોને સરળ ભાષામાં સંદેશ પહોંચે તે રીતે “VOTE FOR DEMOCRACY” વિધાન સાથે સરસ રંગોળી બનાવવામાં આવી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો એક હેતુ મતદારોને જાગૃત કરવાનો છે ત્યારે મતદાર જાગૃતિ માટે આ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ‘લોકશાહીનું બળ જનતા’ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતી પલક પીપળીયા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે સાર્થક વિદ્યાલયની પલક પીપળીયાએ ‘લોકશાહીનું બળ જનતા’ વિષય પર વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ લોકશાહીનું સાચું બળ આપણે સૌ છીએ. ચૂંટણીને ઘરનો પ્રસંગ સમજીને તેમાં સહભાગી થવાની વાત પણ તેણે કરી હતી. લોકશાહીના ઉદભવથી લઈને તેના મહત્વની પણ વાત કરતા તેણે જણાવ્યું હતું કે, જનતા થકી જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય છે. વધુમાં તેણે મતદારોને લોકશાહીના હૃદય સમાં ગણાવ્યા હતા.