વાંકાનેર : આજરોજ 25 જાન્યુઆરીના રોજ 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયમાં કરવામાં આવી હતી.આ કાર્યક્રમના અધ્યક્ષ પદે તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કુંઢીયા, તેમજ વિશેષ ઉપસ્થિતિમાં મોરબી કલેકટર ઓફિસમાંથી નાયબ મામલતદાર જુવાનસિંહ ખેર તથા વાંકાનેર મામલતદાર ઓફિસમાંથી નાયબ મામલતદાર મન્સૂરી સાહેબ, ભોરણીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.25 જાન્યુઆરી 1950ના રોજ ચૂંટણી આયોગની રચના થઈ હતી તેથી આ દિવસને લોકજાગૃતિ માટે રાષ્ટ્રીય મતદાતા દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં સૌપ્રથમ જુવાનસિંહ ખેર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા લોકશાહી તેમજ નિષ્પક્ષ ચૂંટણી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મતદાન જાગૃતિ અંગે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સુંદર વીડિયો નિદર્શન દ્વારા લોકશાહીના સાચા રખેવાળ તરીકે આપણે જાગૃત રહીશું એવો સંદેશ આપવામાં આવ્યો હતો. અને છેવટે નાયબ મામલતદાર મન્સૂરી સાહેબે મતદાન વિશે પ્રતિજ્ઞા લેવડાવી હતી. આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય દર્શનાબેન જાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.