મોરબી: ગુજરાતના યુવા કલાકારોને રાષ્ટ્રીય મંચ પર રજૂ કરવાની તક આપતી રાજ્યકક્ષા યુવા ઉત્સવની નેશનલ સિલેક્શન સ્પર્ધાનો પ્રારંભ આજે મોરબીની વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં ગુજરાતભરના કલાકારો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે.આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, હર્ષદભાઇ ગામી અને જયંતીભાઈ પડસુંબીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે એટલે કે આજે, લોકનૃત્ય અને લોકગીત જેવી સ્પર્ધાઓમાં કલાકારોએ ઉત્સાહભેર તેમની કલાની રજૂઆત કરી હતી. આ સ્પર્ધા આવતીકાલે પણ ચાલુ રહેશે, જેમાં લોકગીત અને લોકનૃત્યની ઉપરાંત, કાવ્ય લેખન, ડેકલેમેશન (વક્તૃત્વ) અને ચિત્રકલા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.