મોરબી : દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હળવી બની છે ત્યારે જો કોરોના વેક્સિનેશનને ઝડપી બનાવવામાં નહીં આવે તો આગામી છએક માસમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે. કોરોના વાયરસ અંગે અનુમાન કરવા માટે ગણિતનો ઉપયોગ કરનારા ફોર્મ્યુલા મોડલ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક એમ વિદ્યાસાગરે કહ્યું કે જો દેશમાં રસીકરણ અભિયાનમાં તેજી લાવવામાં નહીં આવે અને કોવિડ-૧૯ના પહોંચી વળવા માટે જરૂરી નિયમોનું પાલન ન કરાયું તો આગામી ૬ થી ૮ મહિનામાં કોવિડની ત્રીજી લહેર આવવાની આશંકા છે. વિદ્યાસાગરે આ સાથે જ કહ્યું કે સૂત્ર મોડલમાં કોઈ ત્રીજી લહેરની સંભાવના વ્યકત નથી કરાઈ અને તેના પર કામ કરવામાં આવી રહ્યું છે. આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું કે 'જો એન્ટીબોડી ખતમ થઈ જાય તો પ્રતિકાર ક્ષમતા ઓછી થવાની આશંકા છે. આવામાં રસીકરણ વધારવું જોઈએ અને કોવિડ-૧૯નો ફેલાતો રોકવા માટે મદદગાર નિયમોનું પાલન થવું જોઈએ. જો આમ નહીં થાય તો છ થી આઠ મહિનામાં ત્રીજી લહેર આવવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવન સહિત તમામ જાણકારો કહી ચૂકયા છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાનું નક્કી છે. જેમાં દેશના ટોપ વાયરોલોજિસ્ટ ડો.વી રવિ પણ સામેલ છે. રવિ પણ કહી ચૂકયા છે કે ત્રીજી લહેરમાં બાળકો ઝપેટમાં આવે તેવી વધુ આશંકા છે. ડો. રવિનું કહેવું છે કે પહેલેથી અનેક એશિયાઈ દેશ કોરોનાની ત્રીજી લહેર સામે ઝઝૂમી રહ્યા છે. અનેક પશ્યિમી દેશોમાં ચોથી વેવ પણ આવી ચૂકી છે. આવામાં ભારત તેનાથી બાકાત રહેશે તે માની લેવું યોગ્ય નથી.