મોરબીઃ મોરબીના વાવડી રોડ પર આવેલી નલિની વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે તારીખ 31 માર્ચના રોજ જનરલ હોસ્પિટલ મોરબી અને દિવ્યજ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ મોરબીના સંયુક્ત ઉપક્રમે નલિની વિદ્યાલયમાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માનસિક રોગોનું નિદાન, મફત દવાઓ, કાઉન્સેલિંગ, પ્રોગ્રામની પત્રિકા, વિકલાંગતા, માનસિક તાણ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનસિક રોગોની ઓપીડી વગેરેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત માનસિક રોગ જાગૃતિ વિષય પર નિબંધ, ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર શાળાના સંચાલક બિપીનભાઈ ભટ્ટ, મંડળના મંત્રી બાબુભાઈ ગામી તથા સ્ટાફના હસ્તે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.