યોજનાઓ હેઠળ થયેલી કામગીરીનું ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કરાયું મોરબી: ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મોરબી જિલ્લાના ગામોમાં કેન્દ્ર પુરસ્કૃત વિવિધ યોજનાઓના અમલીકરણની ચકાસણી કરવા માટે એક નેશનલ લેવલ મોનિટરિંગ ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. ટીમ દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સંસદ આદર્શ ગ્રામ યોજના, એન.આર.એલ.એમ. અને વોટરશેડ યોજનાઓ હેઠળ થયેલી કામગીરીનું ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.મોરબી તાલુકાના બગથળા, ઊંચી માંડલ, રંગપર અને ટીંબડી જેવા જુદા જુદા ગામોની મુલાકાત દરમિયાન, ટીમે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને યોજનાઓના અમલીકરણ અને તેનાથી મળતા લાભો અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.આ મુલાકાત દરમિયાન, ટીમે ડે-એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ક્રિષ્ના સખી મંડળ દ્વારા સંચાલિત 'ક્રિષ્ના ડેરી' ની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, જુદી જુદી યોજનાઓ હેઠળ કરવામાં આવેલ વિકાસ કાર્યોની સ્થળ મુલાકાત પણ લેવામાં આવી હતી. નેશનલ લેવલ મોનિટરિંગ ટીમના સભ્યો વિક્રમ યાદવ અને પરમિન્દર યાદવે ગામના લોકો દ્વારા પૂરા પાડવામાં આવેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઠવી દ્વારા ટીમને ફિલ્ડ વિઝિટ સંબંધિત જરૂરી આયોજન અને સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.