છાશવારે સર્જાતા અકસ્માતોથી અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા, ટ્રાફિક અને અકસ્માતો નિવારવા વાંકાનેર બાયપાસ રોડ બનાવવા લોકોની પ્રબળ માંગમોરબી: વાંકાનેર શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાવાની ઘટનાઓ વધી રહી છે. દિવસેને દિવસે વધતા જતા ટ્રાફિક વચ્ચે આ હાઇવે અકસ્માત ઝોન બની ગયો છે, જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લોકોની સલામતી માટે હવે વાંકાનેર શહેરથી બાયપાસ રોડની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.જીનપરા જકાતનાકે અને નવાપરા પાસે સૌથી વધુ અકસ્માતવસ્તી વધારાની સાથે વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને જીનપરા જકાતનાકે અને નવાપરા પાસે રોડ ક્રોસ કરવાની જગ્યાએ રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાય છે અને વાહન ચાલકો ઈજાગ્રસ્ત થાય છે. બીજી તરફ, રેલવે તંત્ર દ્વારા હાઈવે પર રેલ્વેના ગરનાળાની બંને બાજુ સેફ્ટી માટે જે એંગલ ઊભા કર્યા છે તેમાં વધુ ઊંચાઈવાળા અને ઓવરલોડ ટ્રકો ફસાઈ જાય છે. આના કારણે સામાન હાઈવે પર વેરવિખેર થઈ જાય છે અને પાછળ આવતા વાહનો માટે જીવલેણ અકસ્માતની ભીતિ રહે છે. આ તમામ સમસ્યાઓના નિવારણ માટે મોટા વાહનોને શહેરમાંથી પસાર થવાને બદલે સીધા બાઉન્ડ્રી તરફ જઈ શકે તે માટે મોરબીથી વાંકાનેર બાયપાસ રસ્તાનું આયોજન કરવું પ્રજાના હિતમાં અતિઆવશ્યક બની ગયું છે.નવાપરા પાસે વધુ એક અકસ્માત: સ્વિફ્ટ કારે બાઇકને અડફેટે લીધુંઅકસ્માતની વણથંભી વણઝારમાં ગત રાત્રીએ નવાપરા વણાંક પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં, બુરાક ડેરીની સામેની શેરી, સ્ટેશન રોડ પર રહેતા અમીતભાઇ પુનમભાઇ પરમાર (ઉ.વ. 30) અને તેમના મિત્ર અનીલ કાનજીભાઈ ભરવાડ (રહે. હસનપર) બાઇક પર ડબલ સવારીમાં ચંદ્રપુર ગામે ગોલા ખાવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે વાંકાનેર-મોરબી હાઇવે પર નવાપરા પાસેના રોડની કટ નજીક પહોંચતા મોરબી તરફથી પૂરઝડપે આવતી સ્વિફ્ટ કાર (નંબર GJ 36 F 3838) ના ચાલકે તેમના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં અમીતભાઇ પરમાર અને અનીલ ભરવાડ બંને રસ્તા પર પટકાતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને મિત્રોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં ઇજાગ્રસ્ત ફરિયાદી અમીતભાઇ પરમારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં સ્વિફ્ટ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા અને અમૂલ્ય માનવ જિંદગી બચાવવા માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે બાયપાસ રોડનું નિર્માણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.#Wankaner #WankanerHighway #AccidentZone #WankanerBypass #RoadSafety #MorbiUpdate #MorbiNews #GujaratNews #AccidentNews #WankanerPolice