માત્ર 12 મીલીમીટર સાઇઝનો રાષ્ટ્ર ધ્વજ ઉપરાંત બે દિવાસળીમાં હરઘર તિરંગા સૂત્ર પણ કંડાર્યું મોરબી : દેશની આઝાદીનું 75મું વર્ષ ચાલી રહ્યું છે. દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે. અને હર ઘર તિરંગા અભિયાને દેશમાં નવો ઉમંગ ભરી દીધો છે. ત્યારે મોરબીના મિનિએચર આર્ટીસ્ટે પણ પોતાની અદભુત કારીગરીથી માત્ર 12 મીલીમીટર સાઇઝનો તિરંગો દિવાસળીમાંથી બનાવી દેશભક્તિ ઉજાગર કરી છે. મોરબીના મિનિએચર આર્ટીસ્ટ નીતિનભાઈ પ્રજાપતિએ નાનકડી એવી દીવાસળીમાંથી દેશનો રાષ્ટ્રધ્વજ અને હર ઘર તિરંગાનું લખાણ અંકિત કર્યું છે. નીતિનભાઈ પ્રજાપતિએ દીવાસળીમાંથી 12 MMની ઉંચાઈનો રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. જ્યારે અન્ય દીવાસળી પર રાષ્ટ્રધ્વજ બનાવીને હર ઘર તિરંગાનું લખાણ લખ્યું છે અને અન્ય એક દીવાસળી પર 75મો આઝાદી કા અમૃત મહોત્સવ લખાણ લખ્યું છે. દીવાસળીમાં નીતિનભાઈએ કરેલી આ સુંદર મજાની કારીગરી જોઈને સૌ કોઈ તેમના આ કૌશલ્ય અને દેશભક્તિને બિરદાવી રહ્યા છે.