જાહેરાત પરત ખેંચવા પ્રબળ માંગણી સાથે જોરદાર વિરોધ મોરબી : બીસલેરી પાણીની જાહેર ખબરમાં શિક્ષકોની મજાક ઉડાવવામાં આવતા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ લાલઘૂમ બન્યો છે અને તાકીદે આ જાહેરખબર પરત ખેંચવાની માંગ ઉઠાવી કંપનીના બહિષ્કાર કરવા સુધી રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. બીસલેરી મીનરલ વોટરની નવી જાહેરાત આવી છે જેમાં શિક્ષક ઉંટને ભણાવતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે અને જાહેરાતમાં શિક્ષક ઊંટને પૂછે છે 'ભારતમેં રેગીસ્તાન કહાં હૈ? ઉંટ જવાબ આપે છે 'સિમલા' ત્યારબાદ શિક્ષક માટીના મતલમાંથી લોટાથી પાણી પીવે છે. બાદમાં ઉંટ સવાલ પૂછે છે કે, માસ્ટરજી કોન્ટેક્ટ લેસ એટલે શું ? માસ્તર જવાબ નથી આપતા ત્યારે ઉંટ બેસલેરીની બોટલ મોઢેથી ફેંકી બોલે છે 'યે લો માસ્ટર ઈસે કહતે હૈ કોન્ટેક્ટ લેસ' આમ આ જાહેરાતમાં શિક્ષકની ઠેકડી ઉડાવવામાં આવી છે. શિક્ષક સમાજમાં આગવું સ્થાન ધરાવે છે,ત્યારે આ જાહેરાત પોતાની પ્રોડક્ટ વેચવા માટે શિક્ષકને મજાક રૂપ બનાવી રહી છે.જેથી સમગ્ર શિક્ષક સમાજમાં આ જાહેરાતનો પ્રબળ વિરોધ થઈ રહ્યો છે,આ જાહેરાત સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિરોધ દર્શાવ્યો છે તેમને કંપનીને પત્ર પાઠવી આ જાહેરાત તાત્કાલિક અસરથી બંધ કરવા અને સમગ્ર શિક્ષક સમાજની માફી માંગવા માટે જણાવ્યું છે. જો જાહેરાત પાછી ખેંચવામાં નહિ આવે તો શિક્ષકો કંપની સામે ઉગ્ર આંદોલન કરશે અને કંપનીનું વેચાણ બંધ કરવાની ફરજ પાડશે તેવું અંતમાં જણાવાયું છે.