શહેરના 1 થી 19 વર્ષના બાળકોને આલ્બેંડેઝોલ ગોળી આપી માર્ગદર્શિત કરાયા મોરબી : મોરબી શહેરના બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાને રાખી મોરબી મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ (National Deworming Day) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં 1 થી 19 વર્ષના બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.શાળાઓ અને આંગણવાડીઓમાં સઘન અભિયાનમોરબી મહાનગરપાલિકા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલી શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રો ખાતે જઈને આરોગ્યની ટીમો દ્વારા 1 થી 19 વર્ષ સુધીના બાળકો અને કિશોરોને આલ્બેંડેઝોલ ગોળી ખવડાવવામાં આવી હતી.શા માટે જરૂરી છે કૃમિનાશક ગોળી?આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, બાળકોમાં કૃમિનો ચેપ ગંભીર અસરો કરી શકે છે: • એનિમિયા (લોહીની ઉણપ): કૃમિના કારણે બાળક પાંડુરોગનો ભોગ બની શકે છે. • કુપોષણ: બાળક જે ખોરાક લે છે તેનું પોષણ કૃમિ ખાઈ જાય છે. • વિકાસમાં અવરોધ: શારીરિક અને માનસિક વૃદ્ધિ અટકી શકે છે.બચાવના ઉપાયો અંગે માર્ગદર્શનઆરોગ્ય શાખા દ્વારા માત્ર ગોળી જ નહીં, પરંતુ સ્વચ્છતા અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. જેમાં નીચે મુજબની સાવચેતી રાખવા અપીલ કરાઈ છે: • જમતા પહેલા અને જમ્યા પછી સાબુથી હાથ ધોવા. • શૌચક્રિયા બાદ ફરજિયાત સાબુથી હાથ સાફ કરવા. • નખ નિયમિત કાપવા અને સાફ રાખવા. • હંમેશા સ્વચ્છ પાણી અને રાંધેલો ખોરાક જ લેવો.જો આપનું બાળક કોઈ કારણોસર આલ્બેંડેઝોલ ગોળી લેવામાં બાકી રહી ગયું હોય, તો સત્વરે નજીકના શહેરી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા મોરબી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.