20 રાજ્યોના પત્રકારોની ઉપસ્થિતિ : સમગ્ર દેશમાં 'પત્રકાર સુરક્ષા કાનૂન' અમલી બનાવવા બુલંદ માંગમોરબી અપડેટ : ગાંધીનગર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS)ના રાષ્ટ્રીય મહા અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મા ઉમિયાની મંગળ આરતી સાથે શુભારંભ થયેલા આ મહા અધિવેશનમાં દેશના 20 જેટલા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય કાર્યકારિણીના હોદ્દેદારો, રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા, રાષ્ટ્રીય મહાસચિવ મહેફુઝ ખાન, અજય પ્રતાપ સિંહ, રાકેશ પરિહાર, મનમોહન સિંહ, ધવલ માકડિયા, બાબુલાલ ચૌધરી, સમ્રાટ બૌધ, કિશન વેકરીયા તથા પ્રદેશ કક્ષાના હોદ્દેદારો અને વિવિધ રાજકીય ક્ષેત્રના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોના હક્કો, તેમની સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ જેવા ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવા માટે આયોજિત આ સંમેલનમાં અભૂતપૂર્વ પત્રકાર એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા.અધિવેશનને સંબોધતા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવાડિયાએ સંગઠનની સફર અને ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2016માં સુરેન્દ્રનગરના ચોટીલા ખાતેથી નાના પાયે શરૂ થયેલી આ સમિતિ આજે વટવૃક્ષ બનીને દેશના અનેક રાજ્યોમાં સક્રિય રીતે પત્રકાર હિતમાં કાર્ય કરી રહી છે. વર્તમાન સમયમાં પત્રકારો સામે વધતા જતા જોખમો અને પડકારો સામે રક્ષણ આપવા માટે તેમણે ગુજરાત સરકાર સમક્ષ પત્રકાર સુરક્ષા કાનૂન ઝડપથી અમલમાં મૂકવાની પુરજોશ માંગ કરી હતી અને આ અંગે રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતોની વિગતો આપી હતી.આ રાષ્ટ્રીય મહા અધિવેશનમાં પક્ષપાતથી પર રહીને તમામ મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓએ પત્રકારોની સુરક્ષાના મુદ્દે એકસૂરે સમર્થન જાહેર કર્યું હતું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, મંત્રી કાન્તિ અમૃતિયા, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઈશુદાન ગઢવીએ મેદાનમાં (ગ્રાઉન્ડ ઝીરો પર) કવરેજ કરતી વખતે પત્રકારોને વેઠવી પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો અને પત્રકારો તથા તેમના પરિવાર માટે વીમા સુરક્ષા, મેડિકલ સહાય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ તાત્કાલિક ધોરણે અમલી બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા પત્રકારોના સક્રિય જોડાણથી આ અધિવેશન સફળ બન્યું હતું. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને જામનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પત્રકારોએ હાજરી આપીને પત્રકાર એકતાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે સંગઠનના અગ્રણી ધવલ માકડિયાએ ઉપસ્થિત તમામ રાજકીય મહાનુભાવો, દેશભરમાંથી આવેલા પત્રકાર પ્રતિનિધિઓ અને કાર્યક્રમને સફળ બનાવનાર તમામ આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે. #MorbiUpdate #JournalistSafetyAct #Gandhinagar #GujaratNews #ABPSS #JournalistSafety #Gujarat #Media #Journalism