શક્તિસાગર ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેમ હોવાથી હેઠવાસના નવ ગામોને એલર્ટ કરાયા હળવદ : હળવદ પંથક અને ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતા મોટાભાગના ડેમ-તળાવમાં નવા નિર આવ્યા છે ત્યારે હળવદના સુસવાવ પાસેનો બ્રાહ્મણી -2 (શક્તિસાગર) ડેમ 80 ટકા ભરાયો છે. આ ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેમ હોવાથી હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.જો કે મજાની વાતતો એ છે કે ભરચોમાસે આ ડેમ વરસાદી પાણીથી નહીં પરંતુ નર્મદાના નીરથી છલોછલ ભરાયો છે. હળવદના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ હાલ નર્મદાના નીરથી 80 ટકા ભરાઈ ગયો છે અને આ ડેમમાં હાલ નર્મદા શહેરનું 160 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. આ જળાશયની ભરપૂર સપાટી 44.5 મી અને આ જળાશયની હાલની સપાટી 42.45 મી છે. આ ડેમના પાટિયા ગમે ત્યારે ખોલવા પડે તેવી સ્થિતિ હોવાથી ડેમ હેઠવાસના સુસવાવ,ટિકર, મિયાણી,મયુરનગર,માનગઢ, ખોડ,કેદારિયા,ચાડાધ્રા, અજિતગઢ ગામને સાવચેત કરી ગામલોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે. વધુમાં માલ સામાન તેમજ ઢોર ઢાખરને સલામત સ્થળે ખસેડી લેવા સિંચાઈ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.